બોટાદઃ બરવાળા ચોકડી પાસે પીસીઆર વાન અને રીક્ષા અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે. બોટાદ પોલીસની પીસીઆર વાન બરવાળા જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર રહેલી માટીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.


અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, રીક્ષાનો ખુર્દો બોલી ગયો હતો, જ્યારે અકસ્માતને કારણે ચીચીયારીઓથી આખું વાતાવરણ સમસમી ગયું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ત્યાં બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, મોતનો આંકડો 3 પર પહોંચ્યો છે.