Kiran Patel: અમદાવાદ પોલીસ કિરણ પટેલને શ્રીનગરથી લઈ આજે અમદાવાદ પહોંચશે. સિંધુ ભવન રોડ પર સ્થિત 15 કરોડનો બંગલો પચાવી પાડવાની કેસમાં ગુનો નોંધાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ જમ્મુ પહોંચી છે, કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.
ક્રાઇમબ્રાંચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. જેને રોડ માર્ગ લાવવામાં આવી રહ્યો છે અને પોલીસ સોમવાર સાંજ સુધીમાં અમદાવાદ પહોંચશે. જે કેસમાં રિમાન્ડ માટે મંગળવારે સાંજે અથવા બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયના એડીશનલ કમિશનર તરીકે ઓળખ આપીને મહાઠગ કિરણ પટેલે સિધુ ભવન રોડ પર આવેલો જગદીશ ચાવડાનો નીલકઠ બંગલો 15 કરોડનાં ખરીદવાનું કહીને બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે તેની પત્ની માલિની અને તેના વિરૂદ્વ ગુનો નોધાયો હતો. જો કે કિરણ પટેલ ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના કેસમાં શ્રીનગર પોલીસની કસ્ટડીમાં હોવાથી અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેની એક ટીમ તેની ધરપકડ કરવા માટે શનિવારે શ્રીનગર પહોંચી હતી. જ્યાં જરૂરી કાર્યવાહી પૂર્ણ થતા રવિવારે કિરણ પટેલની કસ્ટડી મળતા પોલીસની ટીમ શ્રીનગરથી રોડ માર્ગે રવાના થઇ છે. અંદાજે ૩૬ કલાકની મુસાફરી બાદ તે કિરણ પટેલને સોમવારે સાંજ સુધીમાં અમદાવાદ લાવશે.
થોડા દિવસ પહેલા જંબુસરથી માલિની પટેલની ધરપકડ કરવામાં આવી
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું કે, જગદીશ ચાવડાએ દંપતી વિરુદ્ધ બંગલા પર કબજો કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. માલિની પટેલે બધી છેતરપિંડીમાં પતિ કિરણને સાથ આપ્યો હતો. માલિની કિરણ પટેલ સાથે જમ્મુ કાશ્મીર પણ ગઈ હતી. કિરણ પટેલનો અસલી ચહેરો સામે આવ્યા બાદ પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ નાસતાં ફરતા હતા. જોકે, માલિનીને જંબુસરથી ઝડપી લેવામાં આવી હતી. માલિનીએ આગોતરા જામીનની અરજી કરી હતી. આ અંગે ડીસીપીએ જણાવ્યું કે કોર્ટ તરફથી તેમને કોઈ નોટિસ નથી મળી અને એ પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવી છે.
કોણ છે મહાઠગની પત્ની માલિની પટેલ?
માલિની પટેલે પૂછપરછમાં જણાવ્યું કે તે એક BAMS ડોક્ટર છે અને અગાઉ ગાયનેક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. તેણે પોતાનું ક્લિનિક પણ ખોલ્યું હતું, પણ દીકરીઓની જવાબદારીને કારણે ક્લિનિક બંધ કર્યું અને પતિને ઠગાઈમાં સાથ આપવા લાગી. અગાઉ કિરણ પટેલ અને અને તેના ભાઈએ મનીષ ટ્રાવેલ્સ ટાર્ગેટ્સ નામની કન્સલ્ટન્સી શરુ કરી હતી અને એર ટિકિટ બુકિંગનું કામ કરતા હતા. એ વખતે દેવું થઈ જતાં બંને વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.
આ ઉપરાંત, નરોડામાં ફોર વ્હીલર ગાડીઓ ભાડે રાખવાનું કહી બારોબર વેંચી દેવાના કૌભાંડમાં દંપતીની ધરપકડ થઈ ચૂકી છે. ઓક્ટોબર 2022માં દિવાળીમાં માલિની પોતાના પતિ કિરણ પટેલ અને બે દીકરીઓ સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગઈ હતી. એ વખતે દંપતીને હાઈ સિક્યોરીટી અને ફાઈવસ્ટાર હોટેલમાં રોકાણ મળ્યું હતું. માલિની પટેલના જણાવ્યા મુજબ, કિરણ પટેલે હેવમોર કંપનીની ફ્રેન્ચાઇઝ અને એપલ જ્યુસના મેન્યુફેક્ચર પ્રોજેક્ટના કામથી આવ્યા હોવાનું કહ્યું હતું. જોકે, માલિની પટેલ ઝેડ પ્લસ સિક્યોરીટી અંગે અજાણ હોવાનો દાવો કરી રહી છે.
ક્યાંનો છે રહેવાસી કિરણ પટેલ
ઠગ કિરણ પટેલ મૂળ અમદાવાદ જિલ્લાનો રહેવાસી છે. તે અમદાવાદના દસક્રોઈ તાલુકાના નાજ ગામનો વતની છે. છેલ્લા ઘણા સમયથી કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરમાં રહેતો હતો. નાજ ગામમાં તમામને ત કેન્દ્ર સરકારે કાશ્મીરમાં તેની નિમણૂક કરી છે તેમ કહેતો હતો અને ગામના પ્રસંગ સમયે નાજ ગામમાં હાજરી આપતો હતો. વિધાનસભાની ચૂંટણીમાં નાજ ગામમાં જ કિરણ પટેલે મતદાન કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિરણ પટેલ પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે ઓળખાવતા હતા. તેમણે ફેબ્રુઆરી 2023માં જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી. તેમની મુલાકાતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેને પોલીસ અને અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં તે બડગામના દૂધપથરી ખાતે બરફ પર ચાલતા જોઈ શકાય છે. આ સિવાય તે શ્રીનગર ક્લોક ટાવર અને ઉરીમાં એલઓસી પાસે સુરક્ષા દળો સાથે પોઝ આપતાં પણ જોઈ શકાય છે.
કિરણ પટેલે ઉચ્ચ સ્તરીય સરકારી સુવિધાઓનો લાભ લઈને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોનો માત્ર પ્રવાસ જ કર્યો ન હતો, પરંતુ બડગામમાં અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. શંકા બાદ ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસને તેના વિશે એલર્ટ કરી દીધું. જે બાદ તેની શ્રીનગરની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.