અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા. જયાં રાજભવનમાં અમુક નેતાઓ અને લોકો સાથે સાંજે તેઓ બેઠક કરી શકે છે. પીએમ મોદીના માતા હીરાબાને પણ મળશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.

આ મુલાકાત દરમિયાન તેઓ કોબા ખાતેના જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજભવનમાં અધિકારીઓ સાથે બેઠક યોજશે. 13મીએ બપોરે તેઓ દિલ્હી રવાના થશે.