અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell)ના પીએસઆઇ જે.એમ. પઠાણના મોત કેસ મામલે મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને ટ્રેલરના ડ્રાઇવરને પકડવામાં સફળતા મળી છે. ટ્રેલર ચલાવનાર ડ્રાઇવર મંગારામની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. સામે આવેલી વિગતો અનુસાર મંગારામ રાજસ્થાનના બલોતરા ડીસ્ટ્રીકનો સીનેત્રી ગામનો વતની છે. પોલીસે તેના ઘરેથી મંગારામની ધરપકડ કરી છે.
તો બીજી તરફ પીએસઆઈ પઠાણને ટક્કર મારનાર ટ્રેલર કલકત્તા જતું હતું. રો મટીરીયલ ભરેલા ટ્રેલરની પાછળ ફોર્ચ્યુનર ગાડી ટકરાઈ હતી.
ટ્રેલરમાં દારૂનો જથ્થો ન હોવાની પોલીસે પુષ્ટિ કરી હતી. ઝડપાયેલા ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં 4 નવેમ્બરના રોજ એસએમસી પોલીસની કારને એક ભયંકર અકસ્માત નડ્યો હતો જેમાં પીએસઆઈ પઠાણનું મોત નિપજ્યું હતું. પોલીસ દારુ ભરેલી કારનો પીછો કરી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
સુરેન્દ્રનગરમાં એસએમસી પોલીસની કારને એક ભયંકર અકસ્માત નડ્યો હતો, ખરેખરમાં, એસએમસી પોલીસની કાર દારૂ ભરેલી ક્રેટા કારનો પીછો કરી રહી હતી, આ દરમિયાન એક ટ્રેલર વચ્ચે આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એસએમસી પીએસઆઇ જે.એમ. પઠાણનું ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યુ હતુ. આ ઘટના અનેક સવાલો ઉભા થયા છે, આ અકસ્માત છે કે કોઇ અન્ય કારણ તેની પણ તપાસની માંગ ઉઠી હતી.
સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMCના PSIનું અકસ્માતમાં મોત થયુ હતું. ઘટનાની વિગતો એવી છે કે, એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને બાતમી મળી હતી કે એક ક્રેટા કાર દારૂ ભરીને દસાડા-પાટડી રૉડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે આના પર કાર્યવાહી કરતાં રૉડ બ્લૉક કરીને ક્રેટા કારને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે પાટડી તરફ બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા. SMC ટીમની કારે ફિલ્મી ઢબે બન્ને વાહનોનો પીછો કર્યો હતો. તે સમયે SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. દારૂ ભરેલી ક્રેટા કારને રોકવા જતા ટ્રેલર વચ્ચે આવી ગયું અને SMCની કારની ટ્રેલર સાથે ભયંકર ટક્કર થઈ હતી. આથી દારૂ ભરેલી ક્રેટા કાર ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ હતી.
અકસ્માતની ઘટનામાં ટ્રેલરના ટક્કરથી PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, અને ઈજાના કારણે મોત નિપજ્યું હતું. સાથે અન્ય બે પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી. આ મામલે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ શરૂ હતી.
આ પણ વાંચો...