ડીસા: ઠાકોર સમાજ બાદ રબારી સમાજે પણ અનોખી પહેલા કરી છે. ડીસાના સમશેરપુરામાં રબારી સમાજના સામાજિક બંધારણની જાહેરાત કરવામાં આવી છે. 11 મુદ્દાના સામાજિક બંધારણની જાહેરાત કરવામાં આવી છે. 

જેમાં કહેવામાં આવ્યું છે કે,  આ સામાજીક બંધારણ ત્રણેય જીલ્લાઓના જુદા-જુદા ગામોમાં ઝોન કક્ષાની મિટિંગો યોજી ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે વિચાર-વિમર્શ કરી તમામ પરગણા અને ગોળના લોકોની સંમતિ લીધા બાદ ઘડવામાં આવેલ છે. જેનો ઉદેશ સામાજીક પ્રસંગોએ દેખા-દેખીમાં વધતાં જતાં બેફામ ખર્ચાઓ અટકાવવાનો છે. જેનાથી મર્યાદિત આવકવાળા લોકો પણ પોતાનાં સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકે તથા સમાજમાં સમાનતાનો ભાવ લાવવા માટેનો શુભ પ્રયાસ છે.

જેનું દરેકે પોતાના ઇષ્ટદેવની સાક્ષીએ પાલન કરવું. દરેક ગામ-ગોળ પરગણા મુજબ બંધારણ અમલીકરણ સમિતિઓ બનાવવી. આ ત્રણેય જીલ્લાઓનું સામૂહિક બંધારણ છે. આ બંધારણ કરતાં કોઈ ગોળ કે પરગણાનું બંધારણ ઓછું ખર્ચાળ અને કુરિવાજોમાંથી મુક્ત કરનાર હોય તો તેનો અમલ પ્રથમ કરવો. આ સાથે તમામ પરગણાની વિગત સામેલ છે.

Continues below advertisement
Continues below advertisement
  • ખોળો ભરવાની પરંપરા યથાવત પરંતુ બેબી શાવર નહીં
  • પ્રસૂતિ સમયે સાસુના 1100 રૂપિયા અને 2 જોડી કપડાં,વળતું ઓઢાંમણુ કોઈને આપવું નહીં 
  • જન્મ પ્રસંગે નાની-મોટી રકમનું શૈક્ષણિક સંકુલમાં દાન આપી શકાય
  • સગાઈ પ્રસંગમાં કુંડી લઈને આવે ત્યારે બે જણને જ આવવું 
  • સગાઈ પ્રસંગમાં 501 રૂપિયા કુંડીના આપવા
  • સગાઈ પ્રસંગમાં 501 રૂપિયા ફેટાના આપવા
  • સગાઈ પ્રસંગમાં વળતી કુંડીનાં 1100 રૂપિયા જ આપવા
  • સગાઈ પ્રસંગમાં કુડીમાં દાગીના આપવા કે લેવા નહીં
  • સગાઈ પ્રસંગમાં બે જોડ કપડાં જ મોકલવા 
  • સગાઈ પ્રસંગમાં વધારાની કટલરી અને ડ્રાયફૂટ લેવા કે આપવા નહીં 
  • સગાઈ પ્રસંગમાં કુટુંબ અને પરિવાર સિવાય કોઈ જમણવાર રાખવો નહીં
  • લગ્ન પ્રસંગમાં લગ્ન લખતી વખતે કુટુંબ તથા મામા-માસીનાં સગા સિવાય કોઈને બોલાવવા નહીં
  • લગ્ન પ્રસંગમાં લગ્ન વખતે બે લગનીયા જ મોકલવા
  • લગ્ન પ્રસંગમાં લગ્નના જમણવારમાં એકથી બે જ મીઠાઈ, શાક, રોટલી, દાળ-ભાત રાખવાનું રહેશે
  • લગ્ન પ્રસંગમાં લગ્નમાં પ્રિ-વેડિંગ, હલ્દીરસમ, મહેંદીરસમ, વેલકમ જેવા કાર્યક્રમો સદંતર બંધ 
  • લગ્ન પ્રસંગમાં યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ બનાવવી નહીં
  • લગ્ન પ્રસંગમાં વિડીયો ગ્રાફરે પણ કોઈ ફોટા સોશિયલ મીડિયામાં મુકવા નહિ તેવી સૂચના આપવી
  • લગ્ન પ્રસંગમાં જમણવારમાં ડિસ્પ્લે સદંતર બંધ અને સાદો મંડપ રાખવો
  • લગ્ન પ્રસંગમાં વરઘોડો,ડીજે-પાર્ટી, દાંડિયારાસ સદંતર બંધ
  • લગ્ન પ્રસંગમાં સાદો ઢોલ અને શરણાઈ રાખી શકાશે
  • લગ્ન પ્રસંગમાં લગ્નમાં દિકરીને વાસણ પ્રથા બંધ 
  • લગ્ન પ્રસંગમાં 11 હજારથી 51 હજાર રૂપિયા  વાસણ પેટે આપવાના રહેશે
  • લગ્ન પ્રસંગમાં ડિજિટલ પત્રિકા રાખવી તથા ફોનથી આમંત્રણ આપવું
  • લગ્ન પ્રસંગમાં મીઠાઈના બોક્સ કે પડીકાં આપવા કે લેવા નહીં
  • લગ્ન પ્રસંગમાં ઓઢામણા કુવાસી પૂરતા જ આપવા અન્ય સગા માટે સદંતર બંધ
  • લગ્ન પ્રસંગમાં જાન મર્યાદિત સંખ્યામા લઈ જવી
  • મોમેરામાં નોતેર વખતે 11 હજારથી 51 હજાર રૂપિયાની મર્યાદા કરવી

લગ્ન માટેનું બંધારણ

સમાજના દરેક ગામમાં બહાર ગામમાંથી આવતા સગા-વ્હાલાઓએ લગ્ન પ્રસંગે કુવાસી પૂરતા પૈસા આપવા બીજો કોઈ વ્યવહાર કરવો નહિ. મામેરું આવતી વખતે વધાવી લેવું, મામેરું ભરાયા પછી બહેનોએ વધાવવું નહી તેમજ રાવણામાં જમાઈએ ઉભા થઈને રામ રામ કરવા. મામેરું 1,00,000/- થી 11,00,000/- રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું. મોસાળું 21,000/- થી 5,00,000/- રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું.

આણું :

આણું તેડવા બે વ્યક્તિએ જ જવું, ઓણાતીને 1100/- રૂપિયા થી વધુ ઓઢામણું આપવું નહીં તથા કાકા-બાપાના કોઈ કુટુંબીજનોએ ઓઢામણું આપવું નહીં. વળતા આણામાં કોઈ પણ દાગીનો આપવો નહિ. બીજી વારના લગ્ન (ઘરઘેણું) મા 10થી 20 લોકોની મર્યાદામાં જવું, બંને પક્ષોએ જમણવાર કરવો નહી.

છુટાછેડા :

કુંવારા સગપણ ના 2,50,000/- રૂપિયા લગ્ન કરેલ હોય અને બાળક ન હોય તો 5,00,000/- રૂપિયા તથા બાળકો હોય અને છૂટું થાય તો 11,00,000/- રૂપિયાની બાળકના નામે એફ.ડી. કરવી અને મિલ્કતમાં જે હિસ્સો આવતો હોય તે બાળકને આપવો. અને ઉપરના મુદામાં જો દીકરી પક્ષની ભૂલ હોય તો દાગીના પરત આપવાના રહેશે અને ફંડની રકમ દીકરી પક્ષે આપવાની રહેશે. અને દિકરા પક્ષની ભૂલ હોય તો આપેલ દાગીના જમા રહેશે અને ફંડની રકમ દીકરા પક્ષે આપવાની રહેશે.

સાટા પ્રથાનું સગપણ હોય તો બંને પક્ષોએ સાથે બેસી નિવારણ લાવવાનું રહેશે. છુટાછેડા ના પ્રસંગમાં જે ફંડ નક્કી થાય તેમાંથી 10% ૨કમ જે તે તાલુકાનાં શૈક્ષણિક સંકુલમાં આપવાની રહેશે. કોઈપણ દીકરા કે દિકરીને મન દુઃખ થાય તો એક થી બે વર્ષ મા નિકાલ કરી દેવો. સમાજમાં દીકરા કે દિકરીને કોઈ વાંધો પડે તો દેવ કે માતાજીને ભળાવવું નહિ, તેમજ પોલીસ કે કોર્ટ કચેરીમાં દાવા કરવા નહિ, સામાજિક સગા સબંધી ભેગા કરી યોગ્ય સમાધાન કરવું.

શિક્ષણ ક્ષેત્રે

દીકરા-દીકરીઓને ઓછામાં ઓછુ કોલેજ સુધીનું શિક્ષણ ફરજીયાત આપવું, દરેક તાલુકામા સમાજની શિક્ષણ સંસ્થા અને કોચિંગ ક્લાસ શરૂ કરવા જેથી બહાર શહેરોમાં જવું પડે નહિ. સમાજે કુરિવાજોથી દૂર રહેવું. સાથે સાથે આધુનિકતાના નામે ચાલતી બદીઓથી દૂર રહેવું. માતા-પિતા અને શિક્ષણ પ્રેમીઓએ બાળકોના શિક્ષણ સંસ્કાર પર વધુ ભાર મૂકવો.

સમૂહલગ્ન પ્રસંગ :

દરેક તાલુકામાં પરગણા વાઈઝ સમૂહલગ્નની શરૂઆત કરવી.તેમજ સમૂહલગ્ન થયા બાદ ઘરે જમણવાર રાખવો નહી.એક જગ્યાએ સમૂહ લગ્ન થવાથી એક જ સ્થળે સગા-વ્હાલા મળી રહે તેનાથી ખોટા ખર્ચા અને સમયનો બચાવ થાય. દરેક ગામમાં સામાજિક સમૂહ લગ્નની શરૂઆત કરવી. શક્ય હોય તો લગ્ન પ્રસંગો શિયાળામાં રાખવા જેથી ખર્ચમાં ઘટાડો થઈ શકે.

વ્યસન

સમાજના કોઇપણ પ્રસંગમાં કેફીદ્રવ્યો જેવા કે અફીણ,ડોડા,નશાની ગોળી,બીડી-સિગારેટ અને નશાની કોઈપણ પ્રકારની ચીજ-વસ્તુઓ વાપરવી નહી. આધુનિક સમયમાં ચાલતા ડ્રગ્સ જેવાં દૂષણોથી સદંતર દૂર રહેવું સમાજ સંપૂર્ણ વ્યસન મુક્ત બને તેવા પ્રયત્નો દરેકે કરવાં.

મરણ પ્રસંગ 

મરણ પ્રસંગે મૃત્યુ પામેલા હોય તે દિવસે ચા-પાણી સિવાય અન્ય રાંધણું કરવું નહી, મરણ પ્રસંગે પોતાની કુવાસી અને મોસાળના સગા બોલાવવા અને અન્ય સગાઓ બોલાવવા નહિ. મંગળવાર સિવાય બધા જ વાર બેસણામા જઈ શકાશે રવિવારે પણ બેસણું ચાલુ રહેશે, મરણપ્રસગે જમવાનું બુફે રાખવાનું રહેશે. મોતમાં બહેનોને રાહડા કે છાતી કૂટવી નહી.

જે સગા મોતના દિવસે આવ્યા હોય તેમને ત્રીજા દિવસે આવવું નહિ સીધા બારમાના દિવસે જ આવવું. બારમુ સગાવ્હાલા પુરતું મર્યાદિત રાખવું બારમાના દિવસે શોક ઉઠાવી દેવો પોણો મહિનો સદંતર બંધ બારમાં પછી કોઈએ વાર તહેવારે કૂવાસી કે અન્ય સગાએ મોઢું ઢાંકવું નહિ.

મોતમાં 1 રૂપિયા થી 10 રૂપિયા સુધી આપી શકાશે અને જે રકમ આવે તે ધર્માંદા પેટે બીજા ઉમેરીને શૈક્ષણિક સંકૂલમા આપવા. બારમાના દિવસે શીરો-ચોળા અથવા મગ તેમજ ખીચડી-કઢી રાખવી અને 45 વર્ષથી નાની ઉમરનું મોત હોય તો બારમું કરવું નહિ અને ત્રીજા દિવસે વિધિ પતાવી દેવી. નાની ઉંમરમાં મોત થયેલ હોય તો 1 મહીનામાં શોકનાં સાડા બદલી દેવા અને મોટી ઉંમરના મોતમાં 12 દિવસ પછી શોકના સાડા બદલી દેવા.

બારમા પછી મરણ નિમિતે કોઈ જમાણવાર રાખવો નહિ ઈચ્છા હોય તો તેના બદલામાં શાળાના બાળકોને તિથી ભોજન કરાવવું. (ગંગાથાળી જેવા નવા પ્રસંગો કરવા નહી) મરણ પ્રસંગે ચોર્યાસી વિધિ કુટુંબ પૂરતી રાખવી. નાની ઉંમરના સ્ત્રી અને પુરૂષોએ વધારે પડતા લોકાચાર પ્રસંગે જવું નહિ બને ત્યાં સુધી વડીલોને જ જવું (ઘરમાંથી એક જ વ્યક્તિને જવું) સગા-વ્હાલા પુરતું મર્યાદામાં જવું.

રોડીવટો અને ગોયણી 11,000/- રૂપિયા થી 1,00,000/- રૂપિયા સુધીની મર્યાદામાં કરવી. રાત્રે મોત થયું હોય વહેલાસર વિધિ પતાવી દેવી. મરણ કે અન્ય સામાજીક પ્રસંગોએ બહાર ગામથી આવતા સગા-વ્હાલાઓને ભાડા કે ઓઢામણાંનો વ્યહવાર કરવો નહિ.આધુનિક યુગમાં ફોનની સુવિધા હોવાથી મોતનો મેલો મૂકવો નહિ.

અન્ય :

હવન (યજ્ઞ), રમેલ સાદી રાખવી. સમાજમાં નવા-નવા કોઈ રિવાજ કે પ્રસંગો ઉભા કરવા નહિ. લગ્ન અને મરણ પ્રસંગે પ્લાસ્ટીકના ચા કપ વાપરવા નહીં આ કપથી કેન્સર જેવા રોગ થાય છે માટે શક્ય હોય તો સ્ટીલ અથવા માટીના કપ વાપરવા.