માનહાનિ કેસમાં સજા રદ્દ કરવાની કોગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટ ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી હતી. નોંધનીય છે કે આ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે. ગુજરાત હાઇકોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કોઇ રાહત આપી નહોતી. માનહાનિ કેસમાં સજા રદ્દ કરવાની કોગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. રાહુલની સાંસદ તરીકેની સદસ્યતા રદ યથાવત રહેશે. ક્રિમીનલ અપીલ ઝડપી ચલાવવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે અરજી ફગાવતા રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. જો સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીને રાહત આપશે તો જ 2024 લોકસભા ચૂંટણી લડી શકશે.






 


ગુજરાત હાઇકોર્ટે શું કહ્યુ?


સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યુ હતું કે ટ્રાયલ કોર્ટનો દોષિત ઠેરવવાનો આદેશ યોગ્ય છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે.


હાઇકોર્ટના ચુકાદા બાદ કોગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તાનાશાહ સરકાર સામે સવાલ કર્યા હતા. કેન્દ્ર સરકાર અને અદાણી વચ્ચેના સંબંધો પર સવાલ કર્યા હતા. મહિલા અત્યાચાર, ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીએ સવાલ કર્યા હતા. આ લડાઈ હજુ લાંબી ચાલશે.


મોદી સરનેમ કેસમાં અત્યાર સુધી શું થયું?


લોકસભા ચૂંટણી 2019 પહેલા 13 એપ્રિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ' પર નિવેદન આપ્યું હતું. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદન મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.


આ પછી 24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી હતી. 25 માર્ચે રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈનકાર કરી દીધો હતો. 27 માર્ચે તેમને સરકારી બંગલો છોડવાની નોટિસ મળી હતી. 22 એપ્રિલે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો હતો. સુરત સેશન્સ કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી હાઈકોર્ટમાં તેમના નિર્ણય પર ફેર વિચાર કરવા માટે અપીલ કરવામાં આવી હતી.