Rahul Gandhi Plea On Modi Surname: સુરત કોર્ટ દ્વારા ફોજદારી માનહાનિના કેસમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. રાહુલ ગાંધીની અરજીની આજે (2 મે) ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. રાહુલે માનહાનિ કેસમાં તેમને આપવામાં આવેલી સજા પર રોક લગાવવા અને તેમને દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે.


આ મામલે આજે બપોરે 2 વાગ્યા પછી હાઈકોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. ગયા અઠવાડિયે શનિવારે રાહુલ ગાંધીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે જે ગુના માટે કોંગ્રેસના નેતાને મહત્તમ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી તે ગુના ગંભીર પ્રકારનો ન હતો અને ના તેમાં કોઇ અનૈતિક વાત કરવામાં આવી હતી.


'લોકપ્રતિનિધિઓ વિરુદ્ધના નિર્ણયોની ઘણી જગ્યાએ અસર'


સિંઘવીએ જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેન્ચને કહ્યું હતું કે, લોકસેવક અથવા જનપ્રતિનિધિના કિસ્સામાં આવા નિર્ણયો ઘણા પરિબળો (પેટાચૂંટણી, મતવિસ્તાર અને ત્યાંની વ્યક્તિઓ)ને અસર કરે છે જે સારા પરિણામ આપતા નથી. સિંઘવીએ કહ્યું, ઉદાહરણ તરીકે, જો ચૂંટણી પંચ રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યા બાદ ત્યાં પેટાચૂંટણીઓ કરાવે છે તો અહીંથી કેસ જીત્યા પછી પણ તે ચૂંટણીના પરિણામોને પૂર્વવત્ કરી શકાય નહીં.


સિંઘવીએ પૂછ્યું કે જો આ સ્થિતિ તેમના (રાહુલ) દોષને સ્થગિત કરવા માટે પૂરતી નથી, તો પછી કોઈની પાસે અન્ય કોઈ વધારાના સંજોગો હોઈ શકે નહીં. રાહુલ ગાંધીને 2019ના એક કેસમાં તેમની ટિપ્પણી માટે દોષી ઠેરવ્યા બાદ સુરત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ માર્ચમાં તેમને લોકસભાના સભ્યપદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા


"મોદી" અટક પર ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બદલ પૂર્ણેશ મોદીએ માનહાનિનો દાવો કર્યો હતો. બદનક્ષીના આ કેસમાં સુરતની ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને બે વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં રાહુલ ગાંધી ને જામીન તો મળ્યા છે પરંતુ સજા પર સ્ટે નહિ હોવાના કારણે હાલ તે સંસદ સભ્યના પદ પરથી ગેરલાયક થયા છે. આ મુદ્દે હાઇકોર્ટમાં થનારી સુનાવણીમાં કોર્ટના અવલોકન અને અન્ય ઘટનાક્રમ મહત્વનો બની રહેશે.


પૂર્ણેશ મોદી તરફથી હાઇકોર્ટમાં જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. કોર્ટનું રેકોર્ડ પૂર્ણ કરવા માટે ખૂટતા તમામ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.