અમદાવાદ: ભરતસિંહના રાજકારણ છોડવાના નિર્ણય પાછળ એબીપી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં સક્રિય રાજકારણમાથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. ગઈ કાલે ભરતસિંહ સોલંકીના વાયરલ વીડિયોની રાહુલ ગાંધીએ ગંભીર નોંધ લીધી હોવાની વાત સામે આવી છે. વિડિયો વાયરલ થયો તે જ દિવસે રાહુલ ગાંધીએ એક વ્યક્તિને ગુજરાત મોકલ્યા હોવાની વાત સામે આવી છે.  દિલ્હીથી આવેલા નેતાએ 15 લોકો સાથે મુલાકાત કરી હતી. 


 



વન ટુ વન મુલાકાતમાં દિલ્હીના નેતાએ ભરતસિંહ પરના આક્ષેપો અંગે માહિતી મેળવી હતી. કેટલાક ધારાસભ્યો અને ગુજરાતના નેતાઓનો સહિત 15 લોકોએ અભિપ્રાય આપ્યો હતો. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એક મોટી હોટલમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 7 વાગે શરૂ થયેલી બેઠકો રાત્રિના 3 કલાક સુધી ચાલી હતી. ગુજરાતના કેટલાક નેતાઓએ વાયરલ વિડિયો અંગે રાહુલ ગાંધીને ફરિયાદ કરી હતી. ભરતસિંહને રાજકારણથી દૂર કરવાની પણ ગુજરાતના નેતાઓએ રજૂઆત કરી હતી. દિલ્હીથી આવેલા નેતાએ ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરી અને બાદમાં રાહુલ ગાંધીને રિપોર્ટ સુપ્રત કર્યો હતો. રિપોર્ટ બાદ આજે ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં બ્રેકની જાહેરાત કરી હોવાની વાત સામે આવી છે.


જાણો ભરતસિંહે કેમ કહ્યું, મારા જીવને જોખમ છે





કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. ગઈકાલે ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. હવે આ મામલે ભરતસિંહ સોલંકી સ્પષ્ટતા કરી રહ્યા છે.




ભરતસિંહ સોલંકીએ કહ્યું, છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજનીતિ અને તેમાં વ્યક્તિગત કોન્ટ્રોવર્સી ચાલી છે. રોજબરોજ અસંખ્ય લોકોએ મને પૂછ્યું કે તમે કેમ કંઈ બોલતા નથી. 1992માં હું રાજકારણમાં આવ્યો. લોકો, કાર્યકરો અને હાઈકમાન્ડના આશીર્વાદ મળ્યા. 30 વર્ષનું મારું જાહેર જીવન છે, ક્યારેય કોઈ ભ્રષ્ટ્રાચારની વાત નથી થઈ. ચૂંટણી આવે ત્યારે કંઈ ને કઈ આવી જાય. રામ મંદિરના નિવેદન અંગે પણ કોન્ટ્રોવર્સી થઈ.  પુરો વિડિયો જુવો તો ખ્યાલ આવે કે મારો કહેવાનો આશય શું હતો. દરેક વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે.