Gujarat Monsoon Update: ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની શક્યતા હોવાથી, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 70 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર પર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
 
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
 
વધુમાં કહેવામાં આવ્યું હતું કે સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજારથી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.
 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં સૌથી વધુ 13.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય કેશોદમાં 11.22 ઈંચ વરસાદ,વંથલીમાં 10.39 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, કપરાડામાં 8.27 ઈંચ વરસાદ, માણાવદરમાં 8.23 ઈંચ, ચીખલીમાં 8.03 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ,રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 6.61 ઈંચ વરસાદ, જલાલપોરમાં 5.98 ઈંચ, ખેરગામમાં 5.94 ઈંચ, તાલાલામાં 5.67 ઈંચ, પારડીમાં 5.39 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 5.31 ઈંચ, ભાવનગરના મહુવામાં 5.31 ઈંચ, વાપીમાં 5.12, ઉમરગામમાં 5 ઈંચ, સુરતના મહુવામાં 4.96, વ્યારામાં 4.92 ઈંચ, ધરમપુરમાં 4.92 ઈંચ, કાલાવડમાં 4.92 ઈંચ, માળિયાહાટીનામાં 4.88 ઈંચ, વાંસદામાં 4.84, વાલોડમાં 4.69 ઈંચ, દ્વારકામાં 4.49 ઈંચ, ગારીયાધારમાં 4.37 ઈંચ, મહુધામાં 4.37, સુત્રાપાડામાં 4.33 ઈંચ વરસાદ વરસ્યો હતો.