Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.


 



હવામાન વિભાગની આગાહી બાદ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમા બોપલ વિસ્તારમાં હાલ વરસાદી છાંટા પડ્યા છે. આગામી 3 કલાકમાં શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


મહેસાણામાં વરસાદી માહોલ


મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા, બહુચરાજી, જોટાણા, કડી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. મહેસાણા શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુસળધાર વરસાદ પડ્યો છે. તો બીજી તરફ વરસાદના આગમનથી ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળુ રવિ પાક બાદ ઉનાળુ પાક પણ બગાડવાની ભિતી છે. ખેડૂતોના એરંડા, ઉનાળુ બાજરી, જુવાર સહિતના પાક બગડવાની ભીતિ છે.


અમરેલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો


ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી છાંટા શરૂ થયા છે. ધારીના સરસીયા ગામમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમા વાતાવરણ પલટાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ધારીના સુખપુર કુબડામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમા ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


તો બીજી તરફ આગામી 3 કલાકમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં આગામી 3 કલાકમાં હળવા વરસાદની  આગાહી કરવામાં આવી છે. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે સાથે40 કીમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાશે.


રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણમાં આવશે પલટો


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે. તો રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ માવઠુ થઇ શકે છે. ખાસ કરીને
સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદનું શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 27 અને  28 એપ્રિલના રોજ વાદળછાયું વાતાવરણ બની રહશે તો કેટલાક વિસ્તારમાં ફરી માવઠું થઇ શકે છે. તેજ પવન સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો કમોસમી વરસાદ થઇ શકે છે. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિત પવનની ગતિ તેજ રહેશે.


દેશમાં હીટવેવથી મળશે રાહત, અનેક રાજ્યોમાં થશે વરસાદ


એપ્રિલ મહિનાની શરૂઆત ગરમી સાથે થઈ હતી પરંતુ હવે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના અપડેટ મુજબ દેશના ઘણા ભાગોમાં વરસાદ અને કરા પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવનો કહેર જોવા નહીં મળે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 26 એપ્રિલે લઘુત્તમ તાપમાન 22 અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાઈ શકે છે. આવતીકાલથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 સપ્તાહ સુધી વરસાદ અને ગાજવીજ પડી શકે છે.


ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બપોરે અથવા સાંજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ અને આંશિક વાદળછાયું રહેશે. અહીં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાઈ શકે છે જે મહત્તમ 35 ડિગ્રી સુધી પહોંચી જશે. ગાઝિયાબાદમાં દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે, જો કે, બપોર સુધી આંશિક વાદળછાયું બની શકે છે. અહીં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી જઈ શકે છે.