Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આ સમયે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થશે. આ સમયે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે. અમદાવાદમાં ગેહલોતે પીએમ મોદી અને અરવિંદ કેજરીવાલ બંને પર નિશાન સાધ્યું હતું. એવું કહેવાય છે કે મોદીજીએ સોનિયાજી અને મનમોહન સિંહ અને રાહુલજી વિશે જે કહ્યું તે અમે પુનરાવર્તન કરવા માંગતા નથી. અમિત શાહે ગઈ કાલે 2002 વિશે શું કહ્યું, અમે આ બધું કહેવા માંગતા નથી. આ વખતે ગુજરાતમાં મોદીજીની આ બધી વાતો નહીં ચાલે. લોકો હવે સમજી ગયા છે. કેજરીવાલ માત્ર યુક્તિઓ કરે છે. હિમાચલમાં ચૂંટણી છોડીને ઓફિસ બંધ કરીને કેમ ભાગી ગયા? ગુજરાતમાં તમારું ભાગ્ય આ જ હશે. રાહુલજીની ભારત જોડો યાત્રાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતમાં જનતા બદલો લેશે અને કોંગ્રેસની સરકાર બનશે.
દેવગઢ બારીયામાં AAP ને ઝટકો, 40 કાર્યકરો બીજેપીમાં જોડાયા
દાહોદની દેવગઢ બારીયા વિધાનસભા 134 બેઠક ઉપર રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ધાનપુર તાલુકાના પાવ ગામના 40 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો આપને રામ રામ કરી કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવ્યો છે. મતદાનને આડે હવે બે દિવસનો જ સમય બાકી છે ત્યારે કાર્યકરોએ પાર્ટી છોડતા રાજકારણ ગરમાયું છે.
અચાનક હવાઈ માર્ગથી ગોધરા પહોંચ્યા સીઆર પાટીલ
પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે તો બીજી તરફ બીજા તબક્કાના મતદાન પહેલા તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો આજે પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઓચિંતી મુલાકાત રાજકારણ ગરમાયું છે. સીઆર પાટીલે ભાજપના સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તમને જણાવી દઈએ કે, બીજા ચરણમાં પંચમહાલ જિલ્લામાં મતદાન યોજવાનું છે. આ બેઠકમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપની સ્થિતિ અંગેની જાણકારી મેળવી તેમજ જરૂરી સૂચનો પણ સીઆર પાટીલે આપ્યા હતા. હવાઈ માર્ગે આવેલા ગોધરા આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક પદાધિકારીઓ સાથે 1 કલાક સુધી બેઠક કરી હતી. જો કે આ સમગ્ર બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું.
વડાપ્રધાન મોદીના પ્રચારનો આજે બીજો દિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચંડ પ્રચારનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે ચાર જનસભાને સંબોધશે. સૌથી પહેલા બનાસકાંઠાના કાંકરેજમાં પીએમ મોદીની 11 વાગ્યે જનસભા યોજાશે. જે બાદ સાડા બાર વાગ્યે પાટણમાં સભા મોદી સભા સંબોધશે. બાદમાં આણંદના સોજીત્રામાં પોણા ત્રણ વાગ્યે અને અમદાવાદમાં સાંજે 6 વાગ્યે સભા યોજાશે.પીએમ મોદીની સાથે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કરશે ઝંઝાવાતી પ્રચાર કરશે. અમિત શાહ મહેસાણામાં સવારે 10 વાગ્યે અને વિજાપુરમાં અઢી વાગ્યે જનસભા યોજાશે. જ્યારે સાંજે ચાર વાગ્યે વડોદરામાં અમિત શાહનો રોડ શો યોજાશે. અને સાંજે સાત વાગ્યે અમદાવાદનાં ચાંદખેડામાં જનસભા ગજવશે.