Amit Khunt suicide case: રીબડા પંથકમાં ભારે ચર્ચા જગાવનારા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાને કોર્ટે મોટી રાહત આપી છે. ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલો અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ રાજદીપસિંહના જામીન મંજૂર કર્યા છે. આ આદેશ સાથે છેલ્લા 84 દિવસથી જેલમાં રહેલા રાજદીપસિંહ હવે જેલમુક્ત થશે.

શું હતો સમગ્ર કેસ?આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાવરકુંડલાની એક 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. સગીરાના જણાવ્યા અનુસાર, મોડેલિંગ ક્ષેત્રે પરિચય થયા બાદ અમિતે તેને નશાકારક દવા પીવડાવી આ કૃત્ય આચર્યું હતું. જોકે, પોલીસ તપાસ શરૂ થાય તે પહેલા જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં અમિતે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, તેની આત્મહત્યા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે અને રાજદીપસિંહ તેને ત્રાસ આપી,તેની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાવી છે.

ફરાર રહ્યા બાદ કર્યું હતું આત્મસમર્પણગુનો નોંધાયા બાદ રાજદીપસિંહ જાડેજા લગભગ 6 મહિના સુધી ફરાર રહ્યા હતા. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજીઓ નામંજૂર થયા બાદ, આખરે 10 નવેમ્બર, 2025ના રોજ તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ 13 નવેમ્બરથી તેઓ જૂનાગઢ જેલમાં બંધ હતા.

Continues below advertisement
Continues below advertisement

કોર્ટની સુનાવણી અને જામીનનો નિર્ણયગોંડલ કોર્ટના જજ એચ.એ. ત્રિવેદી સમક્ષ ચાલેલી આ સુનાવણીમાં ફરિયાદ પક્ષે સ્પેશિયલ P.P.ની નિમણૂક કરી હતી, જ્યારે બચાવ પક્ષે મજબૂત દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ અને પોલીસ તપાસના કાગળોની ચકાસણી કર્યા બાદ કોર્ટે રાજદીપસિંહના જામીન મંજૂર કર્યા છે.

કોર્ટે લાદેલી કડક શરતો

  • રાજદીપસિંહને જામીન આપવાની સાથે કોર્ટે કેટલીક આકરી શરતો પણ મૂકી છે, જેનું ઉલ્લંઘન થતા જામીન રદ થઈ શકે છે:
  • જિલ્લાબંધી: આરોપીએ 01/04/2026 સુધી રાજકોટ જિલ્લાની હદ છોડવાની રહેશે નહીં.
  • રાજ્ય બહાર જવા પર મનાઈ: કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની બહાર જઈ શકાશે નહીં.
  • પાસપોર્ટ જપ્ત: જો પાસપોર્ટ હોય તો 7 દિવસમાં કોર્ટમાં જમા કરાવવાનો રહેશે.
  • પુરાવા સાથે છેડછાડ: સાક્ષીઓને ડરાવવા કે પુરાવા સાથે છેડછાડ ન કરવી.
  • હાજરી: ટ્રાયલ દરમિયાન નિયમિત હાજર રહેવું પડશે અને રહેઠાણ-મોબાઈલ નંબરની વિગતો સોગંદનામા દ્વારા આપવાની રહેશે.
  • અન્ય ગુના: જામીન દરમિયાન અન્ય કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી હોવી જોઈએ નહીં.