ગાંધીનગર: ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ બંને ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લીધો એ પછી હવે કોંગ્રેસે પણ ભાજપના ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો શરૂ કર્યા હોવાના અહેવાલો છે. જો કે ભાજપે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.


ગુજરાતની એક વેબસાઈટ દ્વારા દાવો કરાયો છે કે, ભાજપના ચાર નારાજ ધારાસભ્યો કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં છે અને તેના કારણે ભાજપની છાવણીમાં પણ ભરપૂર ટેન્શન છે. ભાજપના ચાર ધારાસભ્યો હાલ નારાજ હોવાનો દાવો કરીને તેમના પર ગુજરાત ભાજપના નેતાઓ સતત વોચ રાખી રહ્યા છે તેવો દાવો પણ કરાયો છે.

આ ધારાસભ્યોમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર અને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીનો સમાવેશ થતો હોવાના અહેવાલ છે. સોમવારે બપોર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બંધ બારણે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે બેઠક કરી હતી તેવો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે.

આ ખબર પડતાં જ ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ ઇનામદારને પોતાની સાથે જ રહેવા કહી દીધું છે. આ ઉપરાંત ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી પણ કોંગ્રેસ સાથે સંપર્કમાં છે. આ સિવાય અન્ય બે ધારાસભ્યો પણ પાર્ટીથી નારાજ હોવાનો દાવો કરાયો છે.