Commonwealth Games 2030: ઓલિમ્પિક્સની ચર્ચાઓ વચ્ચે હવે અમદાવાદને વધુ એક આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની મળવાની છે. તાજા અપડેટ પ્રમાણે માહિતી સામે આવી છે કે, આગામી 2030ની કૉમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળશે, એટલે કે, 20 વર્ષ બાદ ભારતને કૉમનવેલ્થ ગેમ્સની યજમાવી મળવા જઇ રહી છે, આ વખતે કૉમનવેલ્થ અમદાવાદમાં રમાશે, 26 નવેમ્બરે મળનારી બેઠકમાં સત્તાવાર જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે, 2010માં ભારતે પહેલીવાર કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી.
અમદાવાદને યજમાની માટેનાં રાઇટ્સ આપવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. સમિતિએ ટેકનિકલ ક્ષમતાઓ, રમતવીરોનો અનુભવ, માળખાગત સુવિધા, શાસન અને કૉમનવેલ્થ ગેમ્સના મૂલ્યો સહિતની બાબતોનાં અનેક માપદંડોના આધારે ઉમેદવારો અને શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. જો કે, નાઇજીરીયાની રાજધાની અબુજા પણ આ ઇવેન્ટનું આયોજન કરવાની દોડમાં છે. અમદાવાદ અને અબુજા બંનેએ ખુબ જ આકર્ષક અને મહત્વકાંક્ષી પ્રોજેક્શન કર્યું છે. હવે કમિટી આ બાબતે 26 મી તારીખે નિર્ણય કરશે.
તાજા અપડેટ પ્રમાણે, 2030 કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં કરવા માટેની ભલામણ કમિટી દ્વારા કરવામાં આવી છે. એક ઐતિહાસિક નિર્ણયમાં, કૉમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડે અમદાવાદ શહેરને 2030 કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની ભલામણ કરી છે. આ દરખાસ્ત હવે કૉમનવેલ્થ ગેમ્સના સંપૂર્ણ સભ્યપદ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે, અને અંતિમ નિર્ણય 26 નવેમ્બર, 2025 ના રોજ ગ્લાસગોમાં કૉમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. જો આવું થાય, તો ભારતમાં બીજી વખત કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ઇવેન્ટ 2010 માં ભારતની રાજધાની દિલ્હીમાં આયોજીત થઇ હતી અને તેમાં સુરેશ કલમાડીનું કૌભાંડમાં નામ આવ્યું હતું. કૉમનવેલ્થ ગેમ્સ 2030 માં તેની 100મી વર્ષગાંઠ ઉજવવા પણ જઇ રહ્યું છે. પહેલી ઇવેન્ટ 1930 માં કેનેડાના હેમિલ્ટનમાં યોજાઈ હતી. દરમિયાન, ગ્લાસગો 2026 ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદનું આયોજન ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ પણ સાબિત થઇ શકે છે. ખાસ કરીને ગુજરાતે પોતાનાં સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે ખુબ જ આક્રમક રણનીતિ અંતર્ગત કામ કર્યું છે. કૉમનવેલ્થમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે, ભારતનો રમતગમતનો ઇતિહાસ અને કૉમનવેલ્થ ગેમ્સમાં સફળતાનો મજબૂત રેકોર્ડ ધરાવે છે. બર્મિંગહામ 2022 માં, ભારત મેડલ ટેલીમાં ચોથા નંબર પર રહ્યું હતું.
-