ગાંધીનગર: ગાંધીનગરના માણસા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં હજારોની મેદની વચ્ચે ઋષિ ભારતી બાપુએ મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) ન બનાવવામાં આવતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ માટે સમાજના જ કેટલાક લોકો પર પ્રહાર કર્યા હતા.
નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દર્દ છલકાયુંઋષિ ભારતી બાપુએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ અંગે ગાંધીનગરમાં અનેક બેઠકો અને સંમેલનો પણ થયા હતા. તેમણે કહ્યું કે, "અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બનતા અમને દુઃખ થયું છે." તેમણે ઉમેર્યું કે મંત્રીમંડળની રચના સમયે સમાજને અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવાની અપેક્ષા હતી, પરંતુ તે પૂરી ન થઈ.
સમાજના લોકો પર 'વ્હાઇટ કોલર ગુલામી' નો આક્ષેપઋષિ ભારતી બાપુએ સમાજની આંતરિક સ્થિતિ પર પણ ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, "સમાજના જ કેટલાક લોકોએ વ્હાઇટ કોલર ગુલામી કરી." તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ક્ષત્રિય ઠાકોર સમાજ વ્હાઇટ કોલર ગુલામી કરે છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે સૌથી વધુ મતદાર હોવા છતાં, ઠાકોર સમાજને મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન ન મળ્યું. આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને સમાજમાં આંતરિક ચર્ચા શરૂ થઈ છે. હજારોની મેદનીમાં યોજાયેલા આ સંમેલનમાં ઋષિ ભારતી બાપુના આ નિવદને ગુજરાતની રાજનીતિમાં એક નવો જ ભૂકંપ સર્જો છે.
શું કહ્યું અલ્પેશ ઠાકોરે?
ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને જાહેર મંચ પરથી ઋષિ ભારતીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ, ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોરે મીડિયા સામે ઉપમુખ્યમંત્રીના સવાલથી કિનારો કરી દીધો હતો અને અસ્પષ્ટ જવાબ આપ્યો હતો, અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઋષિ ભારતીએ શું કહ્યુ તે હું જાણતો નથી, સરકારમાં તમામ સમાજને યોગ્ય સ્થાન આપી રહી છે. મહત્વનું છે કે આ મુદ્દે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે પણ ફૂંકી ફૂંકીને જવાબો આપ્યા હતા.