આવતીકાલે જૂનાગઢના પ્રેરણાધામ ખાતે સાધુ મહંતો એકત્ર થશે. જૂનાગઢના સુર્યમંદિરના મહામંડલેશ્વર જગજીવન દાસ બાપુએ કહ્યું આવતીકાલે બપોરે 3 કલાકે પ્રેરણાધામ ખાતે ગુજરાત અને સૌરાષ્ટ્ર્ર ભરના સંતો મહંતો એકત્ર થશે. દરમિયાન આજે ભાવનગરમાં મોરારીબાપુના સમર્થનમાં બેઠક યોજાઈ હતી. રામવાડી ખાતે વૈષ્ણવ સમાજના લોકો અને સાધુ સંતો વચ્ચે બેઠક થઈ હતી. જેમાં રથયાત્રા સમિતિના પ્રમુખ હરુભાઈ ગોંડલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાપુને સમર્થન જાહેર કર્યું હતું.
ઘાંટવડના મહંત ઇન્દ્રભારતીબાપુ પણ મોરારીબાપુના સમર્થનમાં આવ્યા છે. તેમણે એક વીડિયોના માધ્યમથી કહ્યું છે કે ' મોરારી બાપુ માફી શું કામ માંગે, મોરારી બાપુ માફી નહીં માંગે અમે મોરારી બાપુને માફી માંગવા નહીં દઈએ. સમગ્ર ગુજરાતમાં મોરારી બાપુના સત્ય નિવેદનથી સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ કહે છે કે મોરારી બાપુ માફી માંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ કહે છે કે મોરારી બાપુ માફી માંગે, મોરારી બાપુ શું કામ માફી માંગે? નિલકંઠ તો નિલકંઠ જ હોય અને નિલકંઠ મહાદેવ જ કહેવાય! મોરારી બાપુ અમારો બાપ છે. અમારો ધર્મ પ્રચારક છે. મોરારી બાપુ કોઈ પણ હિસાબે માફી નહીં માંગે અમે માફી માંગવા નહીં દઈએ. એમણે રાષ્ટ્રમાં ધર્મનો પ્રચાર કર્યો છે, આવા વ્યક્તિને માફી માંગવાનું કહો છો, તુચ્છ ગણો છો?
થોડા દિવસો પહેલા મોરારીબાપુએ કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.