અમદાવાદ: હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે. જોકે હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસા વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી અઠવાડિયના અંતમાં અમદાવાદમા ગાજવીજ સાથે વરસાદ થાય તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છ તરફ સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, દમણમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં એટલે કે, સોમવારે સામાન્ય વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું માનવું છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં આજે તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગના મતે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જગ્યાઓ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

રાજ્યમાં છેલ્લે છેલ્લે પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી સંભાવના છે. આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.