અમદાવાદના એએમએના જે.બી.એડિટોરિઅમમાં આજરોજ યોજાયેલા સમારંભમાં દરિયાપાર વસતા પ્રતિભાશાળી અને પ્રતિબદ્ધ એનઆરઆઈ વ્યક્તિવિશેષને સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈ તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના સ્થાપક રમેશ તન્ના લિખિત સમાજની શ્રદ્ધા, પોઝિટિવ સ્ટોરીઝ્ પુસ્તકનું લોકાર્પણ, પુસ્તકમાં જેમના વિશે પોઝિટિવ સ્ટોરીઝ્ લખાઈ છે તેવા સમાજનાયકોના હસ્તે કરવામાં આવ્યું હતું. પોઝિટિવ શ્રેણીનું આ નવમું પુસ્તક છે.
ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના રમેશ તન્નાએ જણાવ્યું હતું કે 2014થી આ સંસ્થા દ્વારા વિદેશમાં વસતા એવા વતનપ્રેમી ભારતીય કે ગુજરાતીને સેલ્યૂટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ આપવામાં આવે છે. જેમણે વ્યક્તિગત સિદ્ધિ મેળવવા ઉપરાંત સમાજ કલ્યાણની ભાવના સાથે સમાજને કશુંક પ્રદાન કર્યું હોય તેમની સેલ્યૂટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ માટે પસંદગી થાય છે. એવોર્ડમાં સ્મૃતિચિહ્ન, રેટિંયો, શાલ અને પુસ્તકો આપવામાં આવે છે.
ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના સ્થાપક શ્રી રમેશ તન્નાએ વધુમાં જણાવ્યું હતું કે દરિયાપાર આશરે બે કરોડ ભારતીયો વસે છે તેમાં 70 લાખથી વધુ ગુજરાતીઓ છે. કુલ એનઆરઆઈ સમુદાયમાં 35 ટકાથી વધુ ગુજરાતીઓ છે. સંખ્યા અને પ્રભાવ બન્નેની રીતે ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી છે. દરિયાપાર વસતા ગુજરાતીઓ ભૂગોળથી વતન છોડે છે, પણ તેમના હૃદયમાં તો વતન સતત ધબકતું જ રહે છે. તેઓ એક યા બીજી રીતે ભારત અને ગુજરાત સાથે જોડાયેલા રહે છે. તેઓ વિકાસની પ્રવૃતિઓમાં સક્રિય રહેવા ઉપરાંત માનવીય સેવા કાર્યોમાં પણ મોટું પ્રદાન કરે છે.
શ્રી રમેશ તન્નાએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે શ્રી પીયૂષભાઈ પટેલ (અમેરિકા), શ્રી હરીશભાઈ સુરતી (અમેરિકા), શ્રી મનીષાબહેન પંડ્યા (અમેરિકા), શ્રી વિષ્ણુભાઈ પટેલ (અમેરિકા), ડૉ. નિરાલી અશોક પટેલ (અમેરિકા), શ્રી સુભાષ શાહ તથા સ્વ. ભગવતીબહેન શાહ (અમેરિકા) શ્રી નિસર્ગ પ્રદીપભાઈ ત્રિવેદીને સેલ્યૂટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ એનાયત થયો છે. આ ઉપરાંત શ્રીમતી રમાબહેન પંડ્યા તથા સ્વ. પ્રતાપભાઈ પંડ્યા (વડોદરા) તથા રવજીભાઈ વસાણી (અમદાવાદ)ને સેલ્યૂટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ એનાયત થયો હતો.
- પીયૂષભાઈપટેલની ફ્લોરિડામાં આઈટી કંપની છે. અમેરિકા ઉપરાંત ભારતમાં પણ તેમની ઓફિસો છે. શિક્ષણ ઉપરાંત બીજાં ઘણાં ક્ષેત્રોમાં તેમનું પ્રદાન છે. તેમણે ગુજરાતમાં ભૂકંપ સહિતના આપત્તિઓ વખતે બચાવ અને રાહતમાં પણ સક્રિયતા બતાવી, દાન આપ્યું અને અપાવ્યું. અમેરિકામાં શિક્ષણ ક્ષેત્રે ઘણા ઉપયોગી સુધારા તેમણે કરાવ્યા છે.
- હરીશભાઈસુરતી સી.એન.ના વિદ્યાર્થી. અમેરિકામાં વસે છે. શિવરંજની પાસે આવેલી ઠાકરસી હોસ્પિટલના નવનિર્માણમાં તેમનું માતબર પ્રદાન છે. કરોડોના ખર્ચે તે નવી બની રહી છે. આ ઉપરાંત અનેક સામાજિક સેવાની પ્રવૃતિઓમાં તેમનું પ્રદાન છે.
- શ્રીમનીષાબહેન પંડ્યા અમેરિકામાં વસે છે. વિવિધ કોર્પોરેટ કંપનીઓમાં મહત્ત્વના હોદા સંભાળનારા મનીષાબહેન ગુજરાતનાં ગૌરવવંતાં દીકરી છે. તેમણે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં સાત હજારથી વધુ શાળાકીય પુસ્તકાલયો બનાવ્યાં છે. તેઓ અનેકવિધ સેવાપ્રવૃતિઓ ચલાવી રહ્યાં છે.
- શ્રીસુભાષભાઈ શાહ અને સ્વ. ભગવતીબહેન શાહઃ સુભાષભાઈ ત્રીસ વર્ષથી અમેરિકામાંથી ગુજરાત દર્પણ નામનું માસિક પ્રકાશિત કરે છે જેની હજારો પ્રતો વહેંચાય છે. અમેરિકા-ભારતમાં ગુજરાતી ભાષા-સાહિત્ય માટે તેમણે માતબર દાન આપવા ઉપરાંત ઘણાં કાર્યો પણ કર્યાં છે. પોતાનાં ધર્મપત્નીની સ્મૃતિમાં તેમણે વસ્ત્રદાનનાં સેન્ટરો શરૂ કર્યાં છે.
- વિષ્ણુભાઈપટેલઃ મૂળ કડી તાલુકાના વિષ્ણુભાઈ વતનપ્રેમી છે. કેળવણી અને સેવાકીય પ્રવૃતિમાં તેમનું માતબર પ્રદાન છે. ગુજરાતની અનેક સંસ્થાઓને તેમણે વિશિષ્ટ રીતે દાન આપ્યાં છે. ગરીબો અને શ્રમિકો માટે તેમનામાં ભારોભાર સંવેદના છે. તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. કેળવણીના ઉત્કર્ષ માટે તેમણે પાયાનાં ઘણાં કાર્યો કર્યાં છે.
- ડો.નિરાલી અશોકભાઈ પટેલઃ અમેરિકા-બોસ્ટનની આ વતનપ્રેમી દીકરીએ આદિવાસીઓની સેવા કરવાના તથા પોતાના પિતા અશોકભાઈની સ્મૃતિને જીવંત રાખવાના પ્રયોજનથી અમેરિકા છોડીને આહવામાં રહેવાનું નક્કી કર્યું છે. તેમના પિતા ડૉ. અશોક પટેલે ભારે જહેમત કરીને આહવામાં 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.
- નિસર્ગત્રિવેદીઃ જાણીતા લેખક-કટારલેખક શ્રી પ્રદીપ ત્રિવેદીનો સુપુત્ર નિસર્ગ ત્રિવેદી અત્યારે અમેરિકામાં વસે છે. નાની વયે કંપનીના સીઈઓ બનવાની યોગ્યતા તેણે કેળવી છે. તે પાયલોટ પણ છે. તેજસ્વી કારકિર્દી ધરાવતા શ્રી નિસર્ગ ત્રિવેદીએ એપીજે અબ્દુલ કલામ અને સુનિતા વિલિઅમ સાથે પણ કામ કરેલું છે.
- રમાબહેનપંડ્યા તથા સ્વ. પ્રતાપભાઈ પંડ્યાઃ આ દંપતીનું કેળવણીમાં મોટું પ્રદાન રહ્યું છે. ગાંધીવિચારના પગલે તેમણે ઘણાં ગામોને આદર્શ કર્યાં. પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈએ તો કરોડો રૂપિયાનાં પુસ્તકો શાળા-કોલેજો અને ગામેગામ પહોંચાડ્યાં. પતિ-પત્નીએ ઘણી મોટી સમાજસેવા કરી છે. રમાબહેને આખું જીવન ગ્રામોત્થાન માટે આપ્યું છે.
- રવજીભાઈવસાણીઃ અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાંથી અમદાવાદ આવેલા રવજીભાઈએ શૂન્યમાંથી સર્જન કર્યું અને પછી સમાજનું નવસર્જન કર્યું. તેમણે સંયુક્ત પરિવારની ભાવનાને જીવંત રાખી છે. તેઓ માને છે કે શિક્ષણ તમામ સમસ્યાઓનો ઉકેલ છે. તેમણે શિક્ષણ માટે અત્યાર સુધી 15 કરોડથી વધુ રકમનું અનુદાન આપ્યું છે. તેમણે પોતાના વતન ઉપરાંત વિવિધ સ્થળો અને સંસ્થાઓ માટે મોટાં અનુદાન પણ આપ્યાં છે.