Ahmedabad News: હાલ રાજ્યમાંથી ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે જણાવ્યું કે, આજે અને આવતીકાલ માટે તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહી શકે છે. ઉત્તરાયણના દિવસે દિવસે પવનની ગતી 10 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે કેટલાક સ્થળો ઉપર પવનની ગતિ 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. નલિયામાં પણ શીત લહેરની શક્યતા બની શકે છે.


લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત


ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ 12.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં 10 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.


અમદાવાદમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો


અમદાવાદમાં 16.7  ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી વધીને 30.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 17.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.


બોરસદમાં સામાન્ય બોલાચાલી બાદ યુવકની હત્યા


બોરસદમાં સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. ભોભાફળી વિસ્તારમાં બન્યો બનાવ  હતો. ગત મોડી રાત્રે બાઇક ચાલક યુવકો સાથે સ્થાનિક યુવકને બોલાચાલી બાદ મામલો બિચક્યો  હતો. બોલાચાલી દરમિયાન યુવકેને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દેતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જે બાદ તેને કરમસદ ખાતે સારવાર માચે ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. 22 વર્ષીય યુવકની હત્યાને લઇ ગામમાં અરેરાટી પ્રસરી  ગઈ હતી. મૃતકનું નામ શાહબાજ શબ્બીરોદ્દીન મલેક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો .