Ahmedabad: અમદાવાદની BJ મેડિકલ કોલેજના સેનેટરી ઇન્સ્પેક્ટર દારૂ પીતા ઝડપાયા છે. આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સવારે 11:00 વાગ્યાની આસપાસ સેનેટરી ઇન્સ્પેક્ટર BJ મેડિકલ કોલેજ યુજી હોસ્ટેલ પરિસરમાં દારૂ પીને ભાગ્યા હોવાનો આરોપ લાગ્યો છે. સી બ્લોક હોસ્ટેલ વોર્ડન ઓફિસ બાજુના સ્ટોર રૂમમાં દારૂ પીતા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. જ્યાં સેનેટરી ઇન્સ્પેક્ટર તુષાર ખરાડીએ દારૂ પીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
એક જાગૃત નાગરિક દ્વારા દારૂ પિતા સેનેટરી ઇન્સ્પેક્ટરનો વિડીયો લેવાનો પ્રયાસ કર્યો છે. જે બાદ તેઓ સિવિલ હોસ્પિટલ તરફ ભાગ્યા હતા. સિવિલ હોસ્પિટલની સામેની એક કેફેમાં તેઓ ઉભા હતા ત્યાં તેમની અટકાયત શાહીબાગ પોલીસે કરી હતી જ્યાં પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મેઘાણીનગરની હદમાં આવતા હોસ્ટેલ પરિસરમાં દારૂ પીધો હતો. જે બાદ તેમને મેઘાણીનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા જ્યાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી.
મહેસાણામાં બિલ્ડરના ખાતામાંથી ઉપડી ગયા 37 લાખ રૂપિયા
મહેસાણા: જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ તેના ખતરા પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને સાયબર ક્રાઈમની ઘટનાઓ અને બેંક ફ્રોડની ઘટનાઓમાં બહુ વધારો થયો છે. આવી છેતરપિંડીનો ભોગ મહેસાણાના એક બિલ્ડર બન્યા છે. ICICI બેન્કમાં ખાતું ધરાવતા મહેસાણાના બિલ્ડરના 37 લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા છે. નવાઈની વાત એ છે કે, કોઈપણ જાતની સિગ્નેચર કે ઓટીપી વિના બેન્ક ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી જતા બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા ઉર્વી કન્સ્ટ્રકશન કંપનીના માલિક દુર્ષ્યન્તભાઈ પટેલ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. મહેસાણાની ICICI બેન્કમાં એકાઉન્ટ છે. જોકે ICICI બેંકના એકાઉન્ટમાંથી એક જ દિવસમાં તબક્કા વાર 37 લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા. ઓટીપી કે કોઇ ફ્રોડ કૉલ કે કોઇ ફ્રોડ લીંક આવી ન હોવા છતાં ખાતામાંથી પૈસા ઉપડી જતા બિલ્ડર સીધા બેન્કની શાખામાં આવ્યા બેન્કના મેનેજરને જાણ કરવામાં આવી હતી.
બિલ્ડરને બેન્કના અધિકારી દ્વારા જવાબ ન મળતા બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ આપી જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. સામાન્ય રીતે ઓટીપી કે, મોબાઈલમાં લિંક મોકલી બેન્કમાંથી નાણાં ઉઠાવી લેવાની અનેક ઘટના બને છે પણ મહેસાણામાં કોઈજાતની લિંક કોલ કે ઓટીપી વિના આ રીતે લાખો રૂપિયા બેન્કના ખાતામાંથી ઉપડી જતા બેન્કના અધિકારીઓ અને પોલીસ ચોકી ગઈ છે અને તપાસ શરૂ કરાઈ છે.