અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે દેશમાં લોકડાઉન લગાવાયું હતું. તેમજ હવે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે અને કામ-ધંધા ધીરે ધીરે રાબેતા મુજબ શરૂ થઈ રહ્યા છે. જોકે, સ્કૂલ-કોલેજો શરૂ કરવાને લઈને ચર્ચા થઈ રહી હતી. હવે કેન્દ્રીય માનવ સંશાદનમંત્રીએ સ્પષ્ટ કર્યુ છે કે, ૧૫મી ઓગસ્ટ પછી જ સ્કૂલો શરૂ થશે. કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે ગુજરાત સરકારે પણ રાજ્યમાં ૧૫મી ઓગસ્ટ પછી સ્કૂલો ખોલવાનો નિર્ણય લીધો છે.


કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1માં ૩૦ જુન સુધી સ્કૂલો-કોલેજો બંધ રાખવા આદેશ કર્યો છે. જોકે, આ પછી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય જે તે રાજ્ય સરકાર પર છોડ્યો છે. જેને લઈને છેલ્લા રાજ્યમા સ્કૂલો-કોલેજો ૩૦ જુન બાદ શરૂ થશે કે કેમ તેને લઈને ચર્ચા ચાલી રહી હતી. એટલું જ નહીં, આને લઈને વાલીઓમાં પણ અસમંજસ હતી. વાલીઓ કોરોના મહામારીમાં શું તકેદારીના પગલા હશે અને કેવી રીતે સ્કૂલો ચાલુ થશે સહિતના કેટલાય પ્રશ્નો હાલ વાલીઓ-વિદ્યાર્થીઓ અને સ્કૂલોને મુંઝવણી રહ્યા છે.



ગઈ કાલે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે સ્પષ્ટ કર્યું હતું કે દેશભરમાં સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ૧૫મી ઓગસ્ટ બાદ જ શરૂ થશે. કેન્દ્રી સરકારની જાહેરાત પછી ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પણ રાજ્યની સ્કૂલો ખોલવા મુદ્દે જણાવ્યું હતું કે, કેન્દ્રના આદેશનું હવે રાજ્ય સરકારે પણ પાલન કરવુ પડશે. ગુજરાતની તમામ સ્કૂલો 15મી ઓગસ્ટ પછી જ રાબેતા મુજબ ખોલાશે.

જો કે, લાંબા સમય માટે કલાસરૂમ શિક્ષણ ન થવાનું હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે પણ પુરતા પ્રયત્નો કરાયા છે. બાળકોની સુરક્ષા મહત્વની હોવાથી જ્યારે પણ સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરવાની થશે તે પહેલા વાલીઓ,શિક્ષણવિદો સાથે પુરતી ચર્ચા કરાશે. તેમજ આ પછી જ સ્કૂલોમાં બાળકોને ભણાવાશે.



નોંધનીય છે કે કોરોનાને પગલે ગત ૨૫મી માર્ચથી તમામ સ્કૂલો બંધ છે અને હજુ પણ ૧૫ ઓગ્ટ સુધી બંધ રહેવાની છે. જેથી લગભગ પાંચ મહિના માટે પ્રથમવાર સ્કૂલો બંધ રહેશે. જો કે આજથી ૮મી જુનથી ગુજરાતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક-માધ્યમિક સ્કૂલોમાં નક્કી કરાયેલા એકેડમિક કેલેન્ડર મુજબનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે. જોકે, વિદ્યાર્થીઓને પ્રવેશ નહી અપાય. ફક્ત શિક્ષકો-વહિવટી કર્મચારીઓ માટે સ્કૂલો રાબેતા મુજબ ચાલશે. સરકારી સ્કૂલોના બાળકોને મફત મળતા પ્રાથમિક-માધ્યમિકના પાઠય પુસ્તકો અને જરૂરી સાહિત્ય શિક્ષકો દ્વારા પહોંચાડાશે.