અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે વધવા લાગ્યું છે, ત્યારે સ્કૂલોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદની મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલમાં એક એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદની સ્કૂલમાં અત્યાર સુધી ૮ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉ નિરમાં સ્કૂલમાં ત્રણ , ઉદગમમાં ૧ , આનંદનિકેતનમાં ૧ અને અમદાવાદ ઇન્ટરનેશનલમાં ૧ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદની સ્કૂલોમાં ધીમે ધીમે કોરોના પ્રવેશ કરી રહ્યો છે. ડિઈઓએ બંને સ્કૂલોને ૧૦ દિવસ વર્ગો બંધ રાખવા સૂચના આપી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોદી સ્કૂલનો વિદ્યાર્થી, આત્મીય કોલેજના પ્રોફેસર સહિત 15 પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં 7 જ્યારે જિલ્લામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં ગઈ કાલે વધુ ૦૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ૦૪ પૈકી એક ૧૨ વર્ષીય વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો હતો. ચીખલી તાલુકામાં આવેલ ટાંકલ ગામમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા. નવસારી જિલ્લામાં એક મહિનામાં ૧૫થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા.
વડોદરાની વધુ એક સ્કૂલમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. શૈશવ સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ. શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરી. વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ચોથો કેસ નોધાયો. એક પછી એક કેસો નોંધાતા વાલીઓમાં ચિંતા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,051 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 1,82,360 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન 16, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, વલસાડમાં 6, જામનગર કોર્પોરેશનમાં 5 , નવસારીમાં 4, ગીર સોમનાથમાં બે, ખેડામાં બે, વડોદરામાં બે, અમદાવાદમાં એક, કચ્છમાં એક, સુરતમાં એક, તાપીમાં એક નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 637 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 528 નાગરિકો સ્ટેબલ છે. 8,18,051 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10106 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે સુરત કોર્પોરેશનમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 મોત થયું છે.