વડોદરા બાદ અમદાવાદની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. DAV ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા સ્કૂલને બોમ્બને ઉડાવી દેવાની ધમકી મળી હતી.  તે સિવાય વસ્ત્રાપુરની એ- વન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ધમકીભર્યા ઈ-મેઈલ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. 

વડોદરામાં સમાની ઉર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઉર્મી સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ શાળાએ વાલીઓને જાણ કરી હતી. બાળકોને શાળાએ ન મોકલવાની જાણકારી આપવામાં આવી હતી. પોલીસની ટીમ પણ તપાસ માટે શાળાએ પહોંચી હતી. અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી. અગાઉ પણ અનેક સ્કૂલોને ધમકીઓ મળી ચૂકી છે. 

સ્કૂલોને ધમકી મળતા પોલીસની તપાસ

ધમકીની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસનો કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આ મેઈલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી તપાસ કરી રહી છે. શાળા સંચાલકોએ બોમ્બની ધમકી અંગે માહિતી આપતા તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગની ટીમો જે તે શાળા પર પહોંચી છે.

ચિંતિત વાલીઓ સ્કૂલે પહોંચ્યા 

હાલ જે સ્કૂલોને ધમકી મળી તે સ્કૂલો ખાલી કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાથે જ ઊર્મિ સ્કૂલ હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. સ્કૂલોને ધમકી મળી હોવાના સમાચાર મળતા વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા. વડોદરાની 5 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે.પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે અગાઉ 23મી જાન્યુઆરી, 2026એ અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમાં આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ, વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો.