અમદાવાદઃ કોરોના મહામારીને કારણે ફ્લાઇટ બંધ કર્યા પછી સરકારે અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરો વચ્ચે કેટલીક ફ્લાઇટ શરૂ કરી હતી. આ ફ્લાઇટોમાં પેસેન્જરો વધવા લાગતા વિવિધ એરલાઇન્સ દ્વારા ડીજીસીએની મંજૂરી લેવામાં આવી હતી. જેથી અનલોક-2માં કેટલાક રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિગો દ્વારા અમદાવાદથી ચંડીગઢ, વારાણસી અને ભુવનેશ્વર માટે ફ્લાઈટ શરૂ કરાઇ છે.


આ ફ્લાઇટમાંથી અમદાવાદથી ચંડીગઢ માટે દરરોજ, અમદાવાદથી વારાણસી માટે અઠવાડિયામાં સપ્તાહમાં ચાર દિવસ અને ભુવનેશ્વર માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટનું સંચાલન કરાશે તેમ એરલાઈન્સના અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આવી જ રીતે ટ્રુજેટ એરલાઈન્સ દ્વારા પણ 13મી જુલાઈથી અમદાવાદથી ઇન્દોર માટે અને 14 જુલાઈથી અમદાવાદથી ઔરંગાબાદ માટે ડેઈલી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.