અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પીએમ મોદીના પ્રવાસને લઈને મોટું નિવેદન આપ્યું છે. દાહોદમાં આજે 40 વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન આવી રહ્યા છે ત્યાં 500થી 700 વીઘા જમીનમાં તૈયારી થઈ રહી છે. વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે ત્યારે 15 દિવસથી સરકારી પ્રશાસન ઠપ્પ છે. 15 દિવસથી લોકોના પ્રશ્નોને બાજુએ મૂકી જલસામાં સરકાર વ્યસ્ત છે. દાહોદમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જૂનાગઢ, જામનગરથી લોકોને બોલાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર નહિ સરકારી અધિકારી કામે લાગ્યા છે.


આ કાર્યક્રમ પાછળ સરકાર ગુજરાતીઓના ટેક્સના 125 કરોડ રૂપિયાનો ધુમાડો કરી રહી છે. આટલા રૂપિયામાં હોસ્પિટલ, શાળા અને પાણીની સમસ્યા પાછળ ખર્ચી શક્યા હોત. તેમણે એવી પણ ટકોર કરી કે, પ્રધાનમંત્રી આપ ગુજરાત આવી છો ત્યારે 100 કિમીના વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોને નજરકેદ કેમ કરો છો. પ્રજા ભાજપની સરકારથી વિમુખ થઈ છે. આદિવાસી લોકો તમારી સાથે નથી તેવા આક્ષેપો પણ જગદીશ ઠાકોરે કર્યા હતા.


તો બીજી તરફ  પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માએ પણ નિવેદન આપ્યું છે. દાહોદમાં PMના કાર્યક્રમ પાછળ વધુ ખર્ચો કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પર 3 લાખ 8 હજાર કરોડનું દેવું છે. આગામી 7 વર્ષમાં 1 લાખ 87 હજાર કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે. રધુ શર્માએ સવાલ કર્યો કે, આટલો ખર્ચ કર્યા બાદ સામે ગુજરાતની પ્રજાને શું આપશો. સરકારી રૂપિયે પોતાના પક્ષનો પ્રચાર ન કરવો જોઈએ.


આવતીકાલથી વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે પીએમ મોદી સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારબાદ 6થી 7 વાગ્યાની વચ્ચે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જે બાદ રાત્રી રોકાણ રાજ ભવનમાં કરશે. બીજા દિવસે એટલે કે 19 તારીખે ગાંધીનગર હેલિપેડથી બનાસકાંઠાની મુલાકાત લેશે. જ્યાં બનાસડેરીમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાત મૂહૂર્તે કરશે અને મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાંથી જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. એક હજાર કરોડના ખર્ચે આ સેંટરનું નિર્માણ થશે. તો 20 એપ્રિલે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના અલગ અલગ પ્રોજેક્ટના ખાતમૂહૂર્ત કરશે. બપોરે 2 વાગ્યે રાજભવનથી દાહોદ જવા રવાના થશે. દાહોદમાં 3.30થી 4.30 સુધીના કાર્યક્રમમાં હાજર રહેશે. જે બાદ દાહોદ હેલિપેડથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જામનગરની મુલાકાત લેશે. તેને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 19 એપ્રિલે પીએમ મોદી વિશ્વના પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેંટરનું ભૂમિપુજન કરશે અને જામનગરમાં બપોરના 1થી 5 એમ 4 કલાક રોકાણ કરશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં ભૂમિપુજન થવાનું છે ત્યાં જિલ્લા કલેક્ટર, એસપી , કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી. સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ માટે લગતી વિભાગોને સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરેશિયસના પ્રધાનમંત્રી, વિશ્વ આરોગ્ય સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર, રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ, વિવિધ દેશના ડેલિગેટસ આવશે. વડાપ્રધાન મોદીની સુરક્ષા બંદોબસ્તમાં 7 એસપી, 22 ડીવાયએસપી, 60 પીઆઈ, 150 પીએસઆઈ, 1 હજાર જેટલા પોલીસ જવાનોનો કાફલો તૈનાત રહેશે. વડાપ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળ પર રાઉંડ ધી ક્લોક પેટ્રોલિંગ પોઈંટ પર જવાનો તૈનાત કરવામાં આવશે. પ્રધાનમંત્રીના રૂટ પર મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ સુધી બંને તરફ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. જેની બંને તરફ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉભા રહી વડાપ્રધાનનું અભિવાદન કરશે