ઘોડાસર ખાતે રહેતા બીનાબહેન પટેલ સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને પતિ મયૂરભાઈ પટેલ એસ.જી. પટેલ હાઈ સ્કૂલમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા.મંગળવારે મયૂરભાઈ પત્નીને શાળાએ મૂકીને પોતાની નોકરી પર જતા હતા. ત્યારે સુખરામનગર પહોંચ્યા ત્યાં એક ટ્રક ચાલકે બંનેને અડફેટે લીધા અને બીનાબહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ પોલીસે આરોપી મંદીપસિંગ શીખની ધરપકડ કરી હતી. આરોપી પંજાબથી માલ આપવા આવ્યો અને તેનાથી અકસ્માત સર્જાયો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
ઘટનાની જાણ થતાં જ સ્કૂલના અન્ય કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને શિક્ષકાને મૃત હાલતમાં જોઈને શોકની લાગણી વ્યક્ત કરી હતી. બીજી તરફ શાળામાં શિક્ષકાના મૃત્યુને લઈને પ્રાર્થનાસભા યોજવામાં આવશે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઘટનાની જાણ કરતા પોલીસ અને 108 પણ મોડી આવી હતી. જેના કારણે લાંબા સમય સુધી લાશ રોડ પર જ રઝળી હતી.
આ વિસ્તારના રોડ ખાડાવાળા હોવાથી અને ભારે વાહનો પ્રવેશતા હોવાથી વારંવાર વાર અકસ્માત થતા હોવા છતાં પણ પોલીસ કે કોર્પોરેશન આ બાબતે વધુ ધ્યાન રાખતી નથી. ત્યારે હાલ પોલીસે લાશનું પીએમ કરાવી મૃતક શિક્ષિકાના પતિને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી આરોપી મંદિપસિંઘને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.