અમદાવાદ : ATM કાર્ડની ચોરી કરી તેમાંથી પૈસા ઉપાડી લેવાના બનાવો સતત વધી રહ્યા છે. એટીએમની બહાર ઠગ ટોળકી વૃદ્ધોને પણ નિશાન બનાવતી હોય છે. કાગડાપીઠ પોલીસ અમદાવાદ દ્વારા ATM મશીન રુમમાંથી ATMની ચોરી કરી બાદમાં કાર્ડથી પૈસા ઉપાડતા આરોપીની 176 ATM કાર્ડ સાથે ધરપકડ કરવામાં આવી છે. 

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સાયબર ફ્રોડને લગતા ગુનાઓ અટકાવવા માટે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે. જે સૂચનાના આધારે પોલીસ ઈન્સપેક્ટર એસ.એ.ગોહીલના માર્ગદર્શનમાં પોલીસ ઈન્સપેક્ટર એસ.એસ સોલંકી સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. વી.બી.ચૌહાણ અને સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન કાળૂભાઈ દેવજીભાઈ તેમજ રધુભાઈ વિરજીભાઈને ચોક્કસ બાતમી આધારે  એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જે એટીએમ મશીન રુમની અંદર જઈ કાર્ડ ભૂલી ગયા હોય અથવા લોકોની નજર ચૂકવી કાર્ડ મેળવી અલગ-અલગ પીન નાખી સાચો પીન લાગે તો પૈસા ઉપાડી ચોરી કરનાર આરોપીને 176 એટીએમ કાર્ડ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. 

કાગડાપીઠ પોલીસ દ્વારા આરોપી પાસેથી 176 એટીએમ કાર્ડ, એક આધારકાર્ડ, રોકડા 25, 000 રુપિયાના મુદ્દામાલ સાથે ગુનો ડિટેક્ટ કરી પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. 

ATM કાર્ડધારકો માટે મહત્વની સૂચના

(1)ATM કાર્ડ હંમેશા સુરક્ષીત રાખો તેમજ પીન નંબર અને અન્ય બેંક ડીટેલ્સ કોઈ વ્યક્તિ સાથે શેર કરશો નહીં અને જ્યારે તમે એટીએમ મશીન રુમમાં પૈસા વિડ્રો કરવા જાઓ ત્યારે તમારી આસપાસના વ્યકિત તમારા પીન નંબર જોઈ શકે નહીં તે બાબતની તકેદારી રાખો. 

(2)ATM કાર્ડનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોય તો તાત્કાલિક બેંકમાં જાણ કરી કાર્ડ બ્લોક કરાવવાની કોશિશ કરો અથવા મોબાઈલ એપ/ઈન્ટરનેટ બેંકી દ્વારા કાર્ડ બ્લોક કરી શકાય છે. 

(3)મોબાઈલ એસએમએસ એલર્ટ અથવા બેંક નોટીફીકેશન ચાલુ રાખો જેથી તમારી જાણ બહાર ATM કાર્ડ દ્વારા થતા કોઈપણ ટ્રાન્જેક્શનની વિગત જાણી શકાય.

(4)ATM કાર્ડ દ્વારા કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ટ્રાન્જેક્શનની વિગત જણાઈ આવ્યેથી  જે તે બેંક તેમજ પોલીસ(સાઈબર ક્રાઈમ પોર્ટલ)માં ફરીયાદ નોંધાવો.

(5)તમારા ATM કાર્ડનો કોઈ અજાણી વ્યક્તિ ઉપયોગ ના કરી શકે તે સારુ જલદી પગલા લઈ તમારા પૈસા બચાવી શકો છો

(6)તમારો પીન સરળ નંબર ન રાખો જેમકે તમારી ડેટ ઓફ બર્થ અથવા તમારા વાહનનો નંબર અથવા 1111,2222,0101,1234 etc.