Ahmedabad : વડાપ્રધાન મોદી ગુજરાતને બે દિવસના પ્રવાસે છે. ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વડપ્રધાન મોદીએ વડોદરાથી રેલવેના 16,000 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. આ કામોમાં એક અમદાવાદ-બોટાદ ટ્રેન પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 18 જૂને અમદાવાદ-બોટાદ ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે.  


છેલ્લા પાંચ વર્ષથી બંધ હતી ટ્રેન 
અમદાવાદ-બોટાદ ટ્રેન અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બોટાદ જંક્શન સુધી દોડે છે. છેલ્લા પાંચ વર્ષથી આ ટ્રેન બંધ હતી. આ ટ્રેનનું ગેજ રૂપાંતરનું કામ શરૂ હતું. મીટરગેજમાંથી આ ટ્રેનરુટને બ્રોડગેજમાં ફેરવાયા બાદ  આજે આ ત્રણ શરૂ થઇ છે. 


ભાવનગર અને બોટાદના મુસાફરોને થશે મોટો ફાયદો
અમદાવાદ-બોટાદ ટ્રેન શરૂ થતા આ ટ્રેનથી ભાવનગર, બોટાદ અને અમદાવાદના મુસાફરોને મોટો ફાયદો થશે. ભાવનગરથી અમદાવાદ જતા આ ટ્રેન મારફતે 34 કિમિનું અંતર ઘટી જશે. આ ઉપરાંત બોટાદથી અમદાવાદ વચ્ચે આવતા ધોળકા, અરણેજ વગેરે સ્ટેશનોના સ્ટોપેજથી હવે આ સ્ટેશનના વિસ્તારોના મુસાફરોને મોંઘુ ભાડું ખર્ચીને ખાનગી વાહનોમાં જવું નહીં પડે. 


આ ટ્રેન ક્યાં ક્યાં સ્ટેશનો પર ઉભી રહેશે? 
અમદાવાદમાં ગાંધીગ્રામ સ્ટેશનથી ઉપડતી આ ટ્રેન વસ્ત્રાપૂર, સરખેજ, મોરૈયા, મેટોડા, બાવળા, ધોળકા, ગોધણેશ્વર, કોઠ, ગાંગડ, લોથલ, ભુરખી, લોલીયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાળીલા રોડ, અને સારંગપુર થઇ બોટાદ પહોંચશે અને બોટાદથી ઉપડતા આ તમે સ્ટેશનો પર રોકાશે. 


પીએમ મોદીએ 21,000 કરોડના કામોના લોકાર્પણ-શિલાન્યાસ કર્યા 
વડાપ્રધાન મોદીએ આ જે વડોદરાથી ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત 21,000 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ કામોમાં 16,000 કરોડના કામ માત્ર રેલવે વિભાગના હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,43,000 આવાસોનું લોકાર્પણ-શિલાન્યાસ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો શુભારંભ, તમામ આદિજાતિ જિલ્લાઓમાં પોષણ સુધા યોજનાનો શુભારંભ, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના ભવનનો શિલાન્યાસ, અને મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓના વિવિધ વિભાગોના કામોના  લોકાર્પણ-શિલાન્યાસ કર્યા.