અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનાના ત્રીજા દિવસે બીજે મેડીકલ કોલેજ હોસ્ટેલ ઈમારતમાં અટકેલો કાટમાળ નીચે ઊતારાયો છે.  ડોક્ટર મેસના બિલ્ડિંગમાં અટકેલો વિમાનનો પાછળનો ભાગ નીચે ઊતારાયો. બે હેવી ક્રેનની મદદથી પ્લેન ટેલને નીચે ઉતારવામાં આવી હતી.  સવારથી ચાલી રહેલી કાટમાળ હટાવવાની કામગીરી બપોરે 3 કલાકે પૂર્ણ થઈ હતી. 

લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનો તૂટેલો ભાગ બીજે મેડિકલ કોલેજના ડોક્ટર્સ હોસ્ટેલની  ઇમારતની છત પરથી નીચે ઉતારવામાં આવ્યો છે  જેનો વીડિયો સામે આવ્યો છે.   

અમદાવાદ માટે ગોજારો દિવસ સાબિત થયો

12 જૂન ગુરુવારનો દિવસ ગુજરાત અને અમદાવાદ માટે ગોજારો દિવસ સાબિત થયો. ભયાનક પ્લેન ક્રેશમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. આ ઘટનામાં તેમનું પણ નિધન થયું.

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મોટું નિવેદન આપ્યું

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના મામલે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટના કેસની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ એ પણ નક્કી કર્યું કે સમિતિ કેટલા દિવસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે, જેથી દેશ તેમજ સમગ્ર વિશ્વ સમક્ષ અકસ્માતનું સત્ય બહાર આવી શકે. 

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું, "છેલ્લા બે દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ નજીક થયેલા અકસ્માતે આખા દેશને હચમચાવી નાખ્યો. આ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.

રામ મોહન નાયડુએ કહ્યું, 'વિમાન દુર્ઘટનાના સમાચાર લગભગ 2 વાગ્યે મળ્યા. તે એક નિર્ધારિત ઉડાન હતી. ગુરુવારે બપોરે 1.39 વાગ્યે વિમાને ઉડાન ભરી હતી. વિમાને ઉડાન ભરતાની સાથે જ પાઇલટે MAYDAY પર ફોન કર્યો. ATC અનુસાર, વિમાનનો સંપર્ક થઈ શક્યો નહીં. લગભગ એક મિનિટ પછી વિમાન ક્રેશ થયું. અકસ્માત પછી, અમદાવાદ એરપોર્ટનો રનવે બપોરે 2:30 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો.  અકસ્માતની થોડીવારમાં જ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. સાંજે 5.30 વાગ્યે બધા ત્યાં પહોંચી ગયા હતા.'