અમદાવાદ: આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલસિંહ વાળાનો પાર્થિવ દેવ અમદાવાદ આવી પહોંચ્યો છે. હવાઈ માર્ગે મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. થોડીવારમાં વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નિકળશે. મહિપાલસિંહ આઠ વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. એરપોર્ટ પર જવાનના પાર્થિવ દેહને સ્વીકારવા તેમના પરિવારજનો પહોંચ્યા હતા. હાલમાં વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.


 



તો બીજી તરફ વીર જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ સાંજે અમદાવાદ જશે. સુરેન્દ્રનગર જિલ્લાના મોજિદડ ગામના મૂળ વતની મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કશ્મીરના કુલગામમાં થયેલી આ મુઠભેડમાં વિરગતિ પામ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં શહીદ વીર જવાનના સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ,ઓઢવ ખાતેના નિવાસસ્થાને  સાંજે 5-30 કલાકે પહોંચશે.  મુખ્યમંત્રી સ્વર્ગસ્થ  મહિપાલ સિંહને વિરાંજલિ આપવા સાથે તેમના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવશે. તેમની સાથે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાશે.


કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ


જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ સામે કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.





શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોર્પ્સે એક ટ્વીટમાં કહ્યું હતું કે ઓપરેશન હલાન કુલગામ. સુરક્ષા દળોએ 4 ઓગસ્ટના રોજ કુલગામના હલાનના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી વિશેની જાણકારી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સેનાના અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટરના વિસ્તારમાં વધુ દળો મોકલવામાં આવ્યા છે


જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થયા


આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે જ્યારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થયા છે. સાવચેતીના ભાગરૂપે અમરનાથ યાત્રા શનિવારે (5 ઓગસ્ટ) સ્થગિત કરવામાં આવી છે.