ગાંધીનગર: શાળાઓનાં શૈક્ષણિક પ્રવાસ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે પ્રવાસને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે પોસ્ટ કરીને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઇ જવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર સુધી એકપણ સ્કૂલને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યની સ્કૂલોમાં 2024-25નું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શરૂ થયું છે. મોટાભાગની સ્કૂલોમાં દિવાળી બાદ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવાય છે.
શિક્ષણ વિભાગે જાહેર કરેલ માર્ગદર્શિકા
1. શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની સરકારી/ અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક પ્રવાસના આયોજન અંગે માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
2. આ માર્ગદર્શક સૂચનાઓમાં પ્રવાસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી તેમજ સુરક્ષા માટે સૂચનાઓ અને કાર્ય પદ્ધતિ જાહેર કરવામાં આવેલ છે.
3. શૈક્ષણિક પ્રવાસ માટે હવે શાળાઓ દ્વારા પ્રવાસના ૧૫ (પંદર) દિવસ પહેલા તેમની શાળાને સંબંધીત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી/ શાસનાધિકારી/ જિલ્લા શિક્ષણ અધિકારીને નિયત ફોર્મેટમાં જાણ કરવાની રહેશે.
4. સાથોસાથ પ્રવાસના ૧૫ (પંદર) દિવસ પહેલા સંબંધિત આરટીઓ(RTO) કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
5. (૧) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને (૨) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો નિયામક (શાળાઓ)ની કચેરી/ નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીને અને (૩) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગને જરૂરી વિગતો સાથે દિન ૧૫ (પંદર) પહેલા જાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
માર્ગદર્શિકામાં વયજૂથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રવાસનો Day TO Day કાર્યક્રમની જાણ કરવાની રહેશે. જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસનાં કન્વિનર તરીકે નિમણૂક અને આયોજન મુજબ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. વિદ્યાર્થીઓના વાલીઓ સાથે બેઠક યોજી સંમતિ લેવી તેમજ વાલીઓના આઇ.ડી. પ્રૂફ અને મોબાઈલ નંબર મેળવી સમંતિની ખાતરી કરવાની રહેશે.
શાળા સંચાલક મહામંડળના પ્રમુખની પ્રતિક્રિયા
રાજ્યની શાળાઓના પ્રવાસ અંગે રાજ્ય સરકારે જારી કરેલી માર્ગદર્શિકા અંગે ગુજરાત રાજ્યના શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પ્રતિક્રિયા આપી છે. તમણે કહ્યું કે, સરકારની માર્ગદર્શિકા આવકારદાયક છે. ત્રણ નવી બાબતોનો ઉમેરો આ માર્ગદર્શિકામાં કર્યો છે. આ પહેલા પણ શાળાઓ, સંચાલકો અને શિક્ષકો વિદ્યાર્થીઓને પોતાના ગણીને જ પ્રવાસે લઈ જતા અને હેમખેમ પાછા લાવતા હતા. રાજ્યની અંદર બહાર કે વિદેશ પ્રવાસ અંગેની માર્ગદર્શિકાથી સંકલન સુચારુ બનશે. નવા કોઈ વધારાના ફેરફાર નથી પણ જે પણ ફેરફાર છે તે આવકારદાયક છે.
આ પણ વાંચો..