પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની ચાલુ ડાયરા દરમિયાન તબિયત લથડી હતી. મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારની રાત્રીના માયાભાઈ આહિર સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. ચાલુ કાર્યક્રમ દરમિયાન જ માયાભાઈને ઓચિંતા છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. માયાભાઈને છાતીમાં દુઃખાવો ઉપડતા આયોજકોએ પ્રોગામ કરવાની ના પાડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ પરથી ડાયરો પણ ચાલુ કર્યો હતો. દરમિયાન તબિયત વધુ લથડતા સ્ટેજ પરથી જ કહ્યું કે જિંદગીમાં પ્રથમવાર તબિયત બગડી છે, આપ તમામની માફી માંગુ છું.
ત્યારબાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તમામ ટેસ્ટ બાદ મોડી રાત્રિના જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાતા હાલ તબિયત સ્થિર છે. હાલ તો માયાભાઈ વાતચીત પણ કરી રહ્યા છે. હજુ આજે ઓબ્ઝર્વેશન માટે માયાભાઈને ICUમાં રખાયા છે. આવતીકાલે તેમને રૂમમાં શિફ્ટ કરવામાં આવશે. સ્વસ્થ થતા જ માયાભાઈએ પોતાના ચાહકોને વીડિયો સંદેશ પણ આપ્યો કે હાલ હું સંપૂર્ણ સ્વસ્થ છું. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. વીડિયોમાં માયાભાઈ આહીર ખુશમિજાજમાં જોવા મળે છે.
માયાભાઈ આહીરના ચાહકો માટે સારા સમાચાર છે. તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. તેમનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું રેડી છું. કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોનો લોક ડાયરા યોજાયો હતો. જેમાં અચાનક જ ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત લથડતા તેઓને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
કડી તાલુકાના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે. જે દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.
માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. જ્યાં માયાભાઈ આહીરની તબિયત ડાયરા પહેલાં જ લથડતા આયોજકો દ્વારા પ્રોગ્રામ કરવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાલુ ડાયરામાં તેઓએ કહ્યું હતું કે, મારી તબિયત જિંદગીમાં પહેલીવાર બગડી છે જે માટે આપ બધાની માફી માગુ છું. મારો કોઈ જ એવો ઇરાદો નથી કે હું અહીંયાથી નીકળી શકું, હું અહીંયાથી આપ બધાને અને દાતાઓને ખૂબ ખૂબ પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું, અહીંયા આગળ હવે રાસ ગરબા બધા રમજો અને તમામની હું ક્ષમા માગું છું, આઈ એમ વેરી વેરી સોરી, મને ક્ષમા કરજો.