અમદાવાદ: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ આગામી 48 કલાકમાં કોંકણ, ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 11મી જૂન, 2022ના રોજ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટા ભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને મધ્યમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, વલસાડમાં રસ્તા પર ભરાયા પાણી
અમદાવાદ: આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેરાવળ શહેર સહિત સીમ વિસ્તારમાં વહેલી સવારે વરસાદી જાપટૂ પડતા ઠંડક પ્રસરી છે.
તો બીજી તરફ સતત બીજા દિવેૃસે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો હતો. નવસારી શહેરમાં આવેલ મંકોડિયા, દુધિયા તળાવ, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત વલસાડમાં વરસાદી માહોલ છવાયો છે. અહીં પતંજલિ યોગ બોર્ડ દ્વારા વલસાડના તિથલ દરિયા કિનારે સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરસાદનું વિધ્ન નડતાં તમામ લોકોએ સ્વામિનારાયણ મંદિરના ડોમમાં યોગ કર્યા હતા. વલસાડ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરના રોડ રસ્તા પાણી-પાણી થઈ ગયા છે. અહીં મોડી રાત્રે પણ વરસાદ પડ્યો હતો. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. મેઘરાજાની સવારી ડાંગ જિલ્લામાં આવી પહોંચી છે. હવામાન વિભાગે આપેલ તારીખ મુજબ 10 તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ડાંગમાં ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. આ સાથે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા તળેટીના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.