અમદાવાદ : રાજ્યમાં એપ્રિલ મહિનામાં જ ગરમી નવા નવા રેકોર્ડ તોડી રહી છે. ત્યારે શુક્રવારે પણ રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ સિવાય અન્ય શહેરોમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.


અમદાવાદ આજે અગનભઠ્ઠીમાં ફેરવાશે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેથી ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બે દિવસ ઓરેન્જ એલર્ટ અને 4 મેના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે અમદાવાદમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. 2022 અગાઉ છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં એપ્રિલ માસમાં જ પારો 44ને પાર થયો હોય તેવું અગાઉ કદી બન્યું નથી. પરંતુ હવે આ વર્ષે એપ્રિલ માસમાં જ ચોથી વખત તાપમાન 44ને પાર થઇ ચૂક્યું છે.  ગુરુવારે સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે પહેલા 8 એપ્રિલે 44 ડિગ્રી, 27 એપ્રિલે 44.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આમ સતત ત્રીજા દિવસથી તાપમાન 44થી વધુ નોંધાયો હતું. અમદાવાદમાં આજે 45 જ્યારે રવિવારથી મંગળવાર તાપમાન 42થી 44 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે.


સુરતમાં આજે યોજાશે નાઈટ મેરાથોન


સુરત: શહેરમાં આજે રાતે મેરાથોન યોજાશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ મેરાથોનમાં જોડાશે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. નો ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટીના સંદેશ સાથે નાઈટ મેરેથોન યોજાશે. નોંધનિય છે કે, આ મેરાથોન 5 ,10 અને 21 કિમી અંતરની હશે. 40 હજાર કરતા વધારે દોડવીરો તેમા ભાગ લેશે. ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે આ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે.


આજે સાંજે 8 વાગ્યે નાઈટ મેરેથોન-2022ની શરુઆત થશે.. વિવિધ કેટગરીવાઈઝ રનર્સ માટે રૂ.13.50 લાખના ઈનામો આપવામાં આવશે. આ મેરેથોનમાં 10 કિમી અને 21 કિમી માટે 2,500થી વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે 5 કિ.મી.માં 40,000થી પણ વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દોડવીરોની ચોક્સાઈ માટે RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નાઈટ મેરેથોનને લઈને કેટલાક રૂટ પણ બંધ કરવામાં આવશે. જેમા અઠવાગેટથી એસ.કે.નગર સુધીનો મેઈન રોડ (આવતા અને જતા) બન્ને તરફના મુખ્ય માર્ગ, કેબલબ્રીજથી સ્ટારબજારથી એલ.પી.સવાણી રોડ પર સ્ટારબજારથી રેવરડેલ એકેડમી), મેકડોનલ્ડ સર્કલ સુધીનો બન્ને તરફના મુખ્ય માર્ગ, રાહુલરાજ મોલ ચાર રસ્તાથી જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તા અને જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તાથી મગદલ્લા વાય જંક્શન સુધીનો બન્ને તરફના મુખ્ય માર્ગ ઉપર પ્રતિબંધ રહેશે.