Gujarat Rain: આજે સવારે 7 વાગ્યે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આજે વહેલી સવારથી જ અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદી વાતાવરણને કારણે વિઝિબિલીટી પણ ઓછી થઈ છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મધ્યમ વરસાદ અને વાવાઝોડાની અસર
આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને હળવા વાવાઝોડાની શક્યતા છે. આ વરસાદ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની ધારણા છે.
હળવા વરસાદ અને વાવાઝોડાની અસર
આ ઉપરાંત, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દિવ, જુનાગઢ, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.
આગામી 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી
ગુજરાતમાં 16થી 18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 16 તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. ખાસ કરીને, 17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
ભારે વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થશે અને નર્મદા નદી બે કાંઠે વહે તેવી શક્યતા છે. આ ઉપરાંત, તાપી અને સાબરમતી નદીઓમાં પણ પાણીની આવકમાં વધારો થઈ શકે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે તેવું પણ તેમનું કહેવું છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે.