અમદાવાદઃ ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે.

રાજ્યના પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હાએ આ ટ્રેન સેવાના યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે. એટલું જ નહિ, આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે. ડીજીપીએ જણાવ્યું છે કે, આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ.

નોંધનીય છે કે, સોમવારે ઓનલાઈન ટિકિટ બુકિંગ IRCTCની વેબસાઈટ પર શરૂ થયું હતું. રેલવેએ આ સ્પેશિયલ ટ્રેનોનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું. જેમાંથી 15 ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી શરૂ થશે જ્યારે 15 અન્ય શહેરોથી નવી દિલ્હી માટે રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, રેલવે ટિકિટોનું બુકિંગ IRCTC ની વેબસાઈટ પર આજે સાંજે ચાર વાગ્યાથી શરુ થવાનું હતું પરંતુ વેબસાઈટ ઠપ થઈ ગઈ હતી. બાદમાં 6 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું

આ વિશેષ ટ્રેન દિલ્હીથી અગરતલા, હાવડા, પટના, ડિબ્રુગઢ, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.