અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ રહેવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાપીઠમાં ભણવું હવે વિદ્યાર્થીઓ માટે મોંઘુ બનશે. ગુજરાત વિદ્યાપીઠમાં નવા કુલ સચિવ સહિત નવા ટ્રસ્ટી મંડળ અને બોર્ડ ઓફ ગવર્નરના સભ્યો આવ્યા બાદ દિવસના દિવસે મહત્વના સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે હવે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિઘ પ્રોસેસ ફીમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ અલગ અભ્યાસક્રમની સાથે અન્ય પ્રોસેસ ફીમાં 6 થી 10 % સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અહીં અભ્યાસ કરવો એ મોઘો બનશે. વિદ્યાપીઠ સત્તા મંડળ દ્વારા યુ જી પી જી ડિપ્લોમા અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની પ્રોસેસ ફીમાં 10% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠના સત્તાધીશો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે યુ.જી.સી દ્વારા જે ગ્રાન્ટ મળે છે તેમાંથી કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં વપરાઈ જતો હોય છે. જેથી હવે વિદ્યાપીઠના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરવા માટે લાંબા સમય બાદ એજ્યુકેશન ફી, ઇન્ટર્નલ પરીક્ષા ફી, સ્ટુડન્ટ વેલ્ફેર ફી, પ્રોફેશન કમ્પીટન્સી ફી, કરિક્યુલર એક્ટિવિટી ફી, પ્રેકટિકલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી દિવસમાં બે વાર લેવામાં આવશે
મહત્વની બાબત એ છે કે વિદ્યાપીઠમાં હવે એમ.એસ યુનિવર્સિટી તર્જ પર અમદાવાદ કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. જેમાં રાંધેજા અને સાદરા કેમ્પસના કોર્સ અમદાવાદ કેમ્પસમાં લવાશે. એટલે કે અમદાવાદ કેમ્પસમાં આર્ટસ કોમર્સ અને અન્ય ફેકલ્ટીના યુ. જી, જીપીજી, પીજી ડીપ્લોમા, PHDના તમામ કોર્સિસ એક જ ફેકલ્ટીમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે સાદરા કેમ્પસમાં માત્ર ફીઝીક્લ એજ્યુંકેશન કૉર્સ ચાલશે. જેથી અમદાવાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. અત્યાર સુધી 950 વિદ્યાર્થિઓ અભ્યાસ કરતાં, તેની જગ્યાએ હવે 3 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરશે. આ ઉપરાંત યુ.જી.સી એ ભરતીના નિયમોમાં ફેરફાર કરતા રજીસ્ટ્રાર, ફાઇનાન્સ ઑફિસર, ઇન્ટરનલ ઓડિટર ની પોસ્ટની ભરતી પ્રક્રિયા રદ કરી છે. વિદ્યાપીઠની બી. ઓ જી ની બેઠકમાં વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી દિવસમાં બે વાર લેવામાં આવશે.