અમદાવાદ: શહેરના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા પરિવારે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ઠક્કર પરિવારના ત્રણ સભ્યોએ બપોરે 2 કલાકે પોતાના ઘરે જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બેભાન હાલતમાં તમામ સભ્યોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 54 વર્ષના પરાગ ઠક્કર, 50 વર્ષના વિધી ઠક્કર અને 30 વર્ષીય પુત્ર પલાશ ઠક્કરે ઘેનની ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો .એલીજી હોસ્પિટલમાં ભરતી થયેલા ત્રણેય દર્દીઓ પૈકી માતા વિધિ ઠક્કર અને પુત્ર પલાશ ઠક્કરની હાલત સ્થિર હોવાનું સુપરિટેન્ડન્ટ ડો.લીના ડાભીએ જણાવ્યું છે. તો બીજી તરફ પરિવારના મોભી પરાગ ઠક્કરની હાલત નાજુક હોવાથી પરિવારના ત્રણેય સભ્યોને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જો કે આ પરિવારે આ પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી.
દેહવિક્રયનો ધંધો કરતી મહિલાની હત્યા
સુરત: શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા અમિષા ચારરસ્તા સ્થિત મંથન કોમ્પલેક્સમાં દેહવિક્રયનો ધંધો કરતી મહિલાની હત્યા કરી દેવાઇ હતી. મધરાત્રે પૈસાના મુદ્દે થયેલા ઝઘડામાં ઝપાઝપી બાદ ઉશ્કેરાયેલા પ્રેમીએ લાકડાના પાટિયા મારી લલનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યાર બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. ગઈકાલે ગુરૂવારે સવારે અમિષા ચાર રસ્તા સ્થિત મંથન કોમ્પલેક્સમાં બીજા માળે રિનોવેટ થતી ઓફિસ નં.૨૦૯માંથી મહિલાની લાશ મળી આવી હતી.
મહિધરપુરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
બનાવ અંગે જાણ થતા જ મહિધરપુરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કરેલી તપાસમાં મૃતક 40 વર્ષીય મહિલાની ઓળખ રીટા ઉર્ફે માધુરી ઉર્ફે ભૂરી તરીકે થઇ હતી. માધુરીના માથા, કપાળ, ગરદન તથા કાનના ભાગે. બોથડ પદાર્થથી હુમલો કરાયો હોય તે પ્રકારના ઇજાના ચિહ્નો હતા. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાનું જણાતા મહિધરપુરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
માધુરીએ દશરથ બૈરાગી સાથે ૧૮ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા
પોલીસે કરેલી તપાસમાં મૃતક માધુરી રેલવે સ્ટેશન વિસ્તારમાં દેહવિક્રયનો ધંધો કરતી હોવાનું ખુલ્યું હતુ. માધુરીએ દશરથ બૈરાગી સાથે ૧૮ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. પતિ-પત્ની બંનેના ઝઘડા થતા હોય ૧૩ વર્ષ પહેલાં માધુરીને ઘરેથી કાઢી મુકી હતી અને તેણી સચિન ખાતે રહેતી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારમાં તપાસ કરતા માધુરીની હત્યા તેના પ્રેમી જગન્નાથ ઉર્ફે સુદર્શન ઉર્ફે કાલિયા ઉર્ફે બટકો મંડલે કરી હોવાનો ખુલાસો થયો હતો. જગન્નાથ રેલવે સ્ટેશન પાસે આવેલી શુભમ્ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. પોલીસે તેને રેલવે સ્ટેશન પાસેથી દબોચી લીધો હતો.
પોલીસે જગન્નાથની વધુ પૂછપરછ શરૂ કરી
પોલીસના જણાવ્યા પ્રમાણે મધરાત્રે માધુરી અને જગન્નાથ મંથન કોમ્પલેક્સમાં નવી બંધાતી ઓફિસની જગ્યા પર ગયા હતા. અહીં માધુરીએ જગન્નાથ પાસેથી પૈસા ઝૂંટવી લીધા હતા. જે બાબતે થયેલા ઝઘડામાં માધુરીએ જગન્નાથને હાથના ભાગે બચકાં ભર્યા હતા. જેથી ઉશ્કેરાઇને જગન્નાથે સ્થળ પર પડેલા લાકડાના પાટિયાથી હુમલો કરી માધુરીને પતાવી દીધી હતી. હત્યા કરી તે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. પોલીસે જગન્નાથની વધુ પૂછપરછ શરૂ કરી છે.