અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આજે બપોર સુધીમાં ગુજરાતના 10 જિલ્લામાં કોરોના કેસો નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ ભરુચ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. તેમજ આ પછી જૂનાગઢમાં પાંચ કેસ નોંધાયા છે. આ સિવાય પાટણ, અરવલ્લી, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી અને બનાસકાંઠામાં પણ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.


ભરૂચમાં નવા 7 કેસ નોંધાયા

હવે દક્ષિણ ગુજરાતમાં ભરુચ જિલ્લામાં પણ કોરોનાના કેસો 100ને પાર થઈ ગયા છે. આજે નવા 7 પોઝિટિવ કેસ આવતાં આંકડો 100ને પાર થઈ ગયો છે. આજે જંબુસરામાં કોરોનાના 7 કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોચી છે. ભરુચ જિલ્લાના જંબુસરમાં કોરોનાના કેસ સતત વધતા ફફડાટ વ્યાપી ગયો છે. જંબુસરને કોરોના હોટસ્પોટ બનતું અટકાવવા પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. વેપારીઓ દ્વારા બજારો સ્વૈરિછક રીતે 7 દિવસ સુધી બંધ રાખવાનું એલાન કરી દેવાયું છે.

જૂનાગઢમાં પાંચ કેસ

જૂનાગઢમાં આજે નવા વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. મેંદરડાના ૪૮ વર્ષીય મહિલા કે જેમના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે હાલ રાજકોટ સારવારમાં છે. જોષીપરા વડલી ચોકમાં રહેતા દંપતી જેમાં ૬૦ વર્ષીય પુરૂષ અને ૫૮ વર્ષીય મહિલા કે જેઓ બન્ને અમદાવાદથી જૂનાગઢ આવ્યા હતા, તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય સરદાર બાગમાં 45 વર્ષીય પુરુષ અને આંબેડકરનગરમાં 57 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય શાખા દ્વારા હાલ કોન્ટેક્ટ ટ્રેસીંગ સહીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ, જિલ્લામાં કુલ 45 કેસ નોંધાયા છે.

ભાવનગરમાં 4 કેસ નોંધાયા

ભાવનગરમાં આજે નવા ચાર વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં 24 વર્ષના પુરુષ તેમજ 58 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 24 વર્ષીય યુવકે તાજેતરમાં જ એમબીબીએસ પૂર્ણ કરેલ છે. તેમની કોઈ ચોક્કસ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમના નજીકના સગા રાજકોટથી તેમને ત્યાં આવેલા જેઓ પણ ડોકટર છે, તેઓનો પોઝિટિવ રિપોર્ટ નોંધાયેલ છે. આ સિવાય મહુવાની 18 વર્ષીય યુવતી અને ભાવનગરના દાણાપીઠ વિસ્તારના 35 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહુવા અગાઉ કેસ આવ્યો હતો તેના નજીકના સગા છે. તો ભાવનગરના દાણાપીઠ વિસ્તારના યુવકની કોઈ હિસ્ટ્રી સામે નથી આવી. ભાવનગર કોરોનાનો આંક 172એ પહોંચ્યો છે. જ્યારે 123 લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ચૂક્યા છે, હાલ 35 લોકો સારવારમાં છે.

પાટણમાં નવા 4 કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં આજે વધુ ચાર કોરોનાના કેસ નોંધાયા છે. બે સ્ત્રી અને બે પુરુષને કોરોના થયો છે. આમ, જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક સવા સોએ પહોંચ્યો છે. આજે આવેલા ચાર કેસમાંથી 3 પાટણ શહેરમાંથી અને એક ચડાસણમાં નોંધાયો છે. પાટણની બંછી હોટલ સામે ઉપવન બંગલોઝની 27 વર્ષની યુવતી, આનંદનગર સોસાયટીની 65 વર્ષના વૃધ્ધા, અંબાજી નેળિયાના યશ વિહારના 32 વર્ષના યુવક અને ચડાસણ ગામના 45 વર્ષના પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે. જિલ્લામાં નવા 4 કેસ સાથે કુલ 125 કેસ થયા છે.

આણંદમાં નવા 3 કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ એકનું મોત થયું છે. ખંભાતના બે અને આણંદમાં 1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. ખંભાતના ચોક્સી બજાર, પીઠ બજારના અને આણંદ ઇસ્માઇલ નગરના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ ખંભાતના 70 વર્ષના પુરુષને કોરોના રિપોર્ટ આવતાની સાથે મોત થયું છે. જિલ્લામાં કુલ આંક 134 થયો છે.

અરવલ્લીમાં નવા બે કેસ

અરવલ્લી જિલ્લામાં આજે નવા બે કેસ નોંધાયા છે. બંને કેસ મોડાસા શહેરમાં નોંધાયા છે. આઝાદફળીના ૫૫ વર્ષીય પુરુષ અને બોરડીયાફળીની ૫૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ ૧૬૨ કોરોના કેસ નોંધાયા છે.

મહેસાણામાં નવા બે કેસ

મહેસાણા જિલ્લામાં નવા બે કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. મહેસાણા શહેરમાં એક મહિલા અને પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણા અને કડીમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.

અમરેલીમાં નવા 2 કેસ નોંધાયા

અમરેલી જીલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મોટા આંકડીયા અને ભાયાવદરમાં 1 - 1 કેસ નોંધાયો છે. મોટા આંકડીયાના 51 વર્ષીય પુરુષ 1 જૂને અમદાવાદથી આવેલા હતા, જેમને કોરોના થયો છે. ભાયાવદરના 51 વર્ષીય પુરુષ 11 જૂને મુંબઇથી આવેલ હતા, જેમને પણ કોરોના થયો છે. આમ, જિલ્લામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ છે. હાલ 18 એકટિવ કેસ છે. તેમજ 11 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 4 વ્યક્તિઓના મોત થયા છે.
નવસારીમાં નવો એક કેસ નોંધાયો

નવસારી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. બીલીમોરા શહેરમાં આવેલી ઓમકારેશ્વર સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી સુરતમાં કામ કરે છે. હાલ એમને હોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. જિલ્લામાં કુલ ૧૦ એક્ટિવ કેસો છે.

બનાસકાંઠામાં નવો એક કેસ નોંધાયો

બનાસકાંઠામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. ડીસામાં મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ધરણીધર બંગલોઝમાં રહેતી મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 155 થયો છે.