મળતી વિગતો પ્રમાણે, સાણંદના તેલાવ ગામમાં રહેતા કરમણભાઈ ભરવાડે સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઈ ચેલાભાઈ ભરવાડ અને ભત્રીજો રવિ ઉર્ફે લાલો ચેલાભાઈ ભરવાડ ગત ૧૨ ડિસેમ્બરે સાણંદની જનમ હોસ્પિટલ ખાતે ગયા હતા. રવિના ભાઈ આશિષની પત્નીની ડિલીવરી હોવાથી તેઓ ખબર કાઢવા ગયા હતા. દરમિયાન ગીબપુરા કરીમનગર પાસે અમદાવાદથી સાણંદ તરફ પુરઝડપે જતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કુદીને રોંગ સાઈડમાં જતી રહી હતી. જેમાં સાણંદથી તેલાવ તરફ એક્ટીવા પર આવી રહેલા ચેલાભાઈ અને પુત્ર રવિને કારે જોરદાર ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક બાઈક ચાલકને પણ ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં રવિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચેલાભાઈનું સાણંદ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. તે સિવાય બાઈક ચાલક પાટણના બાવરડાના રહેવાસી દિલીપભાઈ બાબુભાઈ પંચાલનું પણ ગંભીર ઈજાને કારણે મોત થયું હતું.
અકસ્માત કરનાર કારના ડ્રાઈવર રાહુલ જેસીંગભાઈ ગઢવી અને કારમાં જઈ રહેલા રવિરાજસિંહ વિજયસિંહ ઝાલા અને વિનીત હિતેષભાઈ ગોહિલને પણ ઈજા થતા ત્રણેયને સારવાર માટે દાખલ કરાયા હતા. ત્રણેય ઘાંગધ્રાના રહેવાસી છે.