અમદાવાદમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ધાટલોડિયાની પારસમણિ સોસાયટીના એક મકાનમાં વૃદ્ધ દંપતિની હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના બે શંકાસ્પદ પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી લીધી છે. હાલમાં બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હત્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની 4 ટીમ કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો, જેની ઓળખ કરી પૂછપરછ કરતાં ઘાટલોડિયા વિસ્તારમાં જ રહેતો હોવાનું જણાવ્યું હતું અને અન્ય એક વ્યક્તિ સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
અમદાવાદમાં દિવાળીના બે દિવસ પહેલા જ રન્નાપાર્ક પાસે આવેલ પારસમણિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતિની લૂંટના ઇરાદે હત્યા કરી દેવાઇ હતી. બંને પતિ-પત્નીનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળ્યો હતો. આ બનાવની જાણ રહી રહીને થતાં પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. હવે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લૂંટના ઇરાદે, અંગત અદાવત અથવા અન્ય કોઈ કારણોસર હત્યા કરી હતી કે કેમ એ અંગેની પૂછપરછ શરૂ કરી છે.
દયાનંદ સુબરાવ શાનબાગ(89)અને પત્ની વિજયાલક્ષ્મી(80)ની હત્યા બાબતે દીકરા કિરણ શાનબાગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દયાનંદ અને વિજયાલક્ષ્મીને ગળાના ભાગે છરીનો એક-એક ઘા મારીને જ મોતને ઘાટ ઉતારી દેવાયાં હતાં. પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને દંપતીના મૃતદેહ પરિવારને સોંપી દેવાતાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. પરિવાર, સોસાયટીના સભ્યો અને સગાં-સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી હતી.
આ હત્યામાં આરોપીઓ લોહીવાળી છરી ઘરમાં જ મૂકીને ગયા હતા જે પોલીસે કબજે કરી હતી. છરી પર આર.કે.ઘાટલોડિયાનો માર્કો લાગેલો છે, જેથી આ નામવાળી દુકાન શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. બીજી તરફ, હત્યા 6થી 8 વાગ્યા દરમિયાન કરવામાં આવી હતી, જેથી પોલીસે આ 2 કલાકના સમયગાળામાં એ વિસ્તારના મોબાઈલ ટાવરમાં કેટલા નંબર એક્ટિવ હતા એની તપાસ શરૂ કરી હતી. આ સાથે આજુબાજુના વિસ્તારોમાં આવેલા સીસીટીવીના ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા.
આ દંપતીના ઘરે પ્રકાશ નામનો ઘરઘાટી નોકરી કરતો હતો, પરંતુ તેણે 3 મહિના પહેલાં નોકરી છોડી દીધી હતી, જેથી સોસાયટીમાં કામ કરવા આવતા અન્ય ઘરઘાટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.