અમદાવાદઃ AMCની જાહેરાત બાદ પણ આ બ્રિજ ના ખોલાતા લોકોને કેવી પડી હાલાકી? લાગી લાંબી લાઇનો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jun 2020 09:17 AM (IST)
કોર્પોરેશનની જાહેરાત છતાં પાલડીથી જમાલપુરનો બ્રિજ ના ખોલાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા.
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી અનલોક-1 લાગું થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં પણ ગઈ કાલે સાબરમતી નદી પરના તમામ બ્રિજ ખોલી નાંખવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, કોર્પોરેશનની જાહેરાત છતાં પાલડીથી જમાલપુરનો બ્રિજ ના ખોલાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. ટ્રાફિક પોલીસને બોલાવવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. બ્રિજ ન ખુલતા લોકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી. કોર્પોરેશન દ્વારા સાબરમતી પરના બ્રિજ ખોલી નાંખવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ સંકલનના અભાવે આજે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યું હતું કે, તેમણે માધ્યમોમાં સમાચાર જોઇને બ્રિજ ખુલ્લી ગયો હોવાનું માની અહીં પહોંચી ગયા હતા. જોકે, બ્રિજ આગળ બેરિકેટ હોવાથી તેઓ અટવાઇ પડ્યા હતા. પોલીસને ઉપરથી બ્રિજ ખુલ્લો મુકવાની સૂચના મળી ન હોવાથી હજુ સુધી બ્રિજ ખોલવામાં આવ્યો નથી. જેને કારણે લાંબા સમય સુધી લોકો અહીં અટવાઇ પડ્યા હતા.