અમદાવાદઃ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો.


ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં  વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.


વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે.  ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.


સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો  જોવા મળ્યાં. અહીં  ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી  વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં  ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે


અરવલ્લી જિલ્લામાં છુટા છવાયા માવઠાની અસર જોવા મળી. મોડાસામાં છુટા છવાયા છાંટા પડતા વાતાવરણમાં ઠંટક પ્રસરી, જેનાં કારણે લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો. વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો


આણંદ જિલ્લામાં પણ  છુટા છવાયો વરસાદ પડતાં તમાકુ, ડાંગર, બાજરી, અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.આણંદના  નાવલી, નાપાડ, ખડોલ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતાં ધરતીપુત્રો ની ચિંતા વધી છે. માવઠાથી  શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે.  

કડકડતી ઠંડી વચ્ચે અમદાવાદમાં થશે માવઠું ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


 ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 29 જાન્યુઆરી રાત થી 4 ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીમાં વધારો થશે. અમદાવાદ 13.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન, નલિયા 4.5 ડિગ્રી તાપમાન અને રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.