અમદાવાદ: ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ 10 લોકોમાં એક હતા ઘર્મેન્દ્રસિંહ પરમાર. ધર્મેન્દ્રસિંહ તેના ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમને 1 વર્ષની દીકરી છે. હવે આ દીકરીની વ્હારે એક ક્ષત્રિય યુવાન આવ્યા છે અને તેઓ અભ્યાસથી લઈને તમામ જવાબદારી ઉપાડશે.




આ ક્ષત્રિય યુવકનું નામ છે ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા. તેઓએ ખરો ક્ષત્રિય ધર્મ નિભાવી આ દીકરીની જવાબદારી લઈ અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે. તેઓ ધંધુકાના જાળીયા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. કંટ્રક્શન કામ સાથે જોડાયેલા ઉપેન્દ્રસિંહ સમાજ સેવા માટે હંમેશા આગળ રહે છે. આ અંગે તેમનું કહેવું છે મને ભગવાને આપ્યું છે તેથી સમાજ સેવા માટે આ ધનનો ઉપયોગ કરુ છું. આ કામ કરવામાં મને આનંદ આવે છે. 






તેમની સેવાકીય પ્રવૃત્તિની વાત કરીએ તો, ઉપેન્દ્રસિંહ છેલ્લા ઘણા સમયથી બ્લડ ડોનેશન કેમ્પ પણ કરે છે. આસ્થા ફાઉન્ડેશનના નામથી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. આ ઉપરાંત સમૂહ લગ્ન અને બીજી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ તેઓ જોડાયેલા છે. તેઓ દર વર્ષે 100થી વધુ દીકરીઓના લગ્ન કરાવે છે. આવી સેવાકીય પ્રવૃત્તિ બદલ લોકોએ તેમને ભાલના દાનવીર સાવજનું બિરુદ આપ્યું છે. 




પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ  અંગે વાત કરતા તેમણે કહ્યું કે, તેમના પરિવારમાં કમાનર કોઈ નથી. તેમની મદદ કરવીએ ક્ષત્રિય તરીકે મારી ફરજ છે અને તેથી હું તેમની મદદ કરુ છું. જોકે,નવાઈની વાત એ છે કે,મૃતક ધર્મેન્દ્રસિંહ સાથે કોઈ સંબંધ ન હોવા છતા એક માનવતાના ભાગરુપે ઉપેન્દ્રસિંહે ધર્મેન્દ્રસિંહની દીકરી કાવ્યાબાની તમામ જવાબદારી ઉપાડવાની જાહેરાત કરી છે. આ અંગે ઉપેન્દ્રસિંહે કહ્યું કે, હું એક માવતર તરીકે દીકરી કાવ્યાબાની તમામ જવાબદારી ઉપાડીશ.


 




ધર્મેન્દ્રસિંહ પરમાર મૂળ ચુડાના વતની છે


તમને જણાવી દઈએ કે, ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં સુરેન્દ્રનગરના ચાર વ્યક્તિઓના મોત થયા હતા. જેમાં પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમારનો પણ સમાવેશ થાય છે. પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમાર મૂળ ચુડા ગામના વતની છે અને અમદાવાદ પોલીસમાં હાલ ફરજ બજાવતા હતા. જે દિવસે રાત્રે આ અકસ્માત થયો ત્યારે ધર્મેન્દ્રસિંહ ફરજ પર હાજર હતા. જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને પંચનામા સહિતની કામગીરી કરી રહ્યાં હતા. તે દરમિયાન માતેલા સાંઢની જેમ આવેલી જેગુઆરે ધર્મેન્દ્રસિંહ સહીત 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.


નોંધનીય છે કે, મૃતક ધર્મેન્દ્રસિંહ અંદાજે પાંચ વર્ષ પહેલા પોલીસ વિભાગમાં જોડાયા હતા અને તેઓ તેમના માતા-પિતાના એકના એક સંતાન હતા. તો બીજી તરફ ધર્મેન્દ્રસિંહના લગ્ન બોટાદ ખાતે થયા હતા અને હાલ તેમને સંતાનમા એક વર્ષની દીકરી છે. આ દીકરીનું નામ કાવ્યા બા છે. હવે કાવ્યા બાની તમામ જવાબદારી ઉપેન્દ્રસિંહે ચાવડાએ ઉપાડી એક અનોખી પહેલ કરી છે અને લોકોને સેવાકીય કામ કરવાની પ્રેરણા પણ આપી છે.