Vastral public fight news: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં બીજી વખત જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટના વસ્ત્રાલની માધવ સ્કૂલ પાસે બની હતી, જ્યાં કેટલાક યુવકો અચાનક એકબીજા પર લાકડી અને દંડા વડે તૂટી પડ્યા હતા. આ મારામારીના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ મારામારી અંગત અદાવતમાં થઈ હોવાનું માનવામાં આવે છે. બે પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ અને મારામારીમાં પરિણમી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણ જેટલા શખ્સો હાથમાં લાકડાના દંડા લઈને એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે મારામારી કરનારા લોકો છરી જેવા હથિયારો પણ લાવ્યા હતા, જો કે પોલીસ તપાસ બાદ જ આ વાતની પુષ્ટિ થઈ શકશે. મહત્વની વાત એ છે કે આ ઘટના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે અને છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ઘટના અંગે રામોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે મારામારી કરનારા યુવકોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા કર્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા હતા. અસામાજિક તત્વોના એક ટોળાએ શહેરના વસ્ત્રાલમાં આતંક મચાવ્યો હતો. વસ્ત્રાલની શાશ્વત-2 સોસાયટી નજીક રાત્રીના સમયે 15થી 20 યુવાનોના એક ટોળાએ તલવાર સહિતના હથિયારો સાથે રોડને બાનમાં લીધો હતો.
આ ટોળાએ રસ્તા પરથી પસાર થતા લોકોને અટકાવ્યા હતા અને તેમની ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારના સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ટોળાએ શાશ્વત-2 સોસાયટીની બહાર પાર્ક કરેલા 10થી 15 વાહનોમાં પણ ભારે તોડફોડ કરી હતી.
અસામાજિક તત્વોના આ આતંક બાદ રામોલ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે વહેલી સવારે ચાર વાગ્યે આ ઘટનામાં સંડોવાયેલા 9 અસામાજિક તત્વોને ઝડપી લીધા હતા. પોલીસે આ ઉપરાંત 12થી વધુ આતંક મચાવનારા તોફાનીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે જાહેર રોડ પર દોડાવી દોડાવીને કેટલાક તોફાનીઓને માર પણ માર્યો હતો.
આ ઘટનામાં બે રાહદારીઓ પર તલવારથી હુમલો કરવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસની તપાસમાં આ તોડફોડ પંકજ ભાવસાર ગેંગના સભ્યો દ્વારા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાએ બેફામ લુખ્ખાઓ પર લગામ કસવામાં અમદાવાદ પોલીસની નિષ્ફળતા છતી કરી હતી.
રામોલ પોલીસે મોડી રાત્રે જ આતંક મચાવનારા 9 લુખ્ખાઓની અટકાયત કરી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પંકજ ભાવસાર ગેંગના સભ્યોની સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાએ બે દિવસ પહેલા ક્રાઈમ કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાના પોલીસના દાવાની પોલ ખોલી નાખી હતી.