Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા હતા. આ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું પણ નિધન થયું છે. દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધીનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધી રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા બાદ નિર્ણય કરાશે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીના પાડોશી કહે છે, "...મને હજુ પણ એવું લાગે છે કે જાણે તેઓ આપણી સાથે છે. તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે.
અગાઉ આજે(13 જૂન) સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતા. તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હાજર છે. તેમના ગાંધીનગરના નિવાસસ્થાને ધારાસભ્યો અને સાંસદો પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચી રહ્યા છે. હાલમાં દિવંગત વિજય રૂપાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓ અને પરિવારજનો પહોંચી રહ્યા છે.
પાંચ મૃતદેહોની ઓળખ થઈ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ગઈકાલથી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં 80 ડોક્ટરોની ટીમ તૈનાત છે. અત્યાર સુધીમાં પાંચ મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. આ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. ઓળખાયેલા મૃતદેહોમાં રાજસ્થાનના બે, ગુજરાતના ભાવનગર જિલ્લાના બે અને મધ્યપ્રદેશનો એક મૃતદેહનો સમાવેશ થાય છે.
એકમાત્ર બચી ગયેલા મુસાફરે જણાવ્યું સત્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. તેઓ આ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા હતા. વિશ્વાસે કહ્યું કે હું વિમાનમાંથી કૂદી પડ્યો ન હતો પરંતુ સીટ સાથે વિમાનમાંથી બહાર આવ્યો હતો.
અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું
હોસ્પિટલમાં દાખલ વિશ્વાસ કુમારે દુર્ઘટના વર્ણવતા કહ્યું કે રનવે પર વિમાન ગતિ પકડતા જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું. સન્નાટો, પછી અચાનક લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી તાકાત લગાવી દીધી હોય. અને પછી તે સીધી હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું.