અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે મનપાએ અમદાવાદીઓને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. ધોધમાર વરસાદના પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. જેથી વાહન ચાલકોને મુશ્કેલની સામનો કરવી પડી રહ્યો છે. સોમવારે મોડી સાંજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ અને લોકોને હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણિનગર ઉપરાંત પશ્ચિમના સેટેલાઈટ, શીવરંજની, બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ સિવાય અમદાવાદના SG હાઈવે, ઈસ્કોન, બોડકદેવ, રાણીપ, ગોતા, ઘાટલોડિયા, સોલા, નરોડા, હાટેકેશ્વર, અમરાઈવાડીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા.



હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતના મધ્ય તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.