અમદાવાદ : અમદાવાદના ફ્લાવર શોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારવામાં આવ્યો છે. આ સાથે જ રાત્રિની વીઆઈપી ટિકિટ વ્યવસ્થાને પણ બંધ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને શહેરીજનોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળતા મુલાકાત સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 16 જાન્યુઆરીથી મુલાકાતીઓ ફ્લાવર શો રાત્રે 10:00 વાગ્યા સુધી નિહાળી શકશે. ટિકિટ રાત્રે 9:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓએ રાત્રિના 10:00 વાગ્યા સુધીમાં મુલાકાત પૂર્ણ કરવાની રહેશે. ફ્લાવર શોમાં હવે રાત્રિના 10 વાગ્યા સુધી આનંદ માણી શકશો.
ફ્લાવર શોમાં VIP ટિકિટ વ્યવસ્થા બંધ
નાગરિકો ફ્લાવર શોનો આનંદ માણી શકે તે હેતુ સાથે રાત્રિના સમયમાં VIP ટિકિટ વ્યવસ્થા હવેથી ઉપલબ્ધ રહેશે નહીં. સવારની VIP ટિકિટ વ્યવસ્થા યથાવત રહેશે. સવારના 07:00 વાગ્યાથી 08:00 વાગ્યા સુધી VIP ટિકિટ ઉપલબ્ધ રહેશે તથા VIP મુલાકાત સમય સવારના 08:00 થી 09:00 વાગ્યા સુધી રહેશે. 16 જાન્યુઆરી 2026થી એટલે કે આવતીકાલથી મુલાકાતીઓ ફ્લાવર શો રાત્રે 10:00 વાગ્યા સુધી નિહાળી શકશે, જ્યારે ટિકિટ રાત્રે 9:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો હતો
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે ફ્લાવર શોનો પ્રારંભ કરાવી સમગ્ર ફ્લાવર શોને નિહાળ્યો હતો. મુખ્યમંત્રીની સાથે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, ભાજપના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિત ભાજપના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી
AMC દ્વારા આયોજિત 14માં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 એ આ વર્ષે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી છે. ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં વર્ષ 2026માં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી છે. આ વર્ષે ફ્લાવર શોમાં બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો છે.