અમદાવાદઃ ચોમાસા દરમિયાન અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચોમાસા દરમિયાન 28 જેટલા અંડર બ્રિજમાં વરસાદનું પાણી ભરાય છે ત્યારે આ અંડર બ્રિજમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.  જોકે 18 જેટલા અંડરપાસમાંથી પાણી કાઢવા 1.15 કરોડના ખર્ચે પંપ મુકાશે. પરંતુ આ પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે જેથી કરીને વાહન ચાલકોએ આ 28 જેટલા અંડર બ્રિજ જ્યારે વરસાદમાં પાણી ભરાય તે સમયે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો. 


જેમાં સ્ટેડિયમ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, અખબારનગર અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, મણિનગર(દક્ષિણી) અંડરપાસ, પરિમલ અંડરપાસ, કુબેરનગર અંડરપાસ, મીઠાખળી પેડિસ્ટ્રેન(ગાંધીગ્રામ) અંડરપાસ, મીઠાખળી અંડરપાસ, બોટાદ ખોડિયાર ગેજલાઇનના અંડરપાસ, સિલ્વર સ્ટાર ચાર રસ્તા લેવલ ક્રોસિંગ, ચેનપુર પાસે આઇઓસી અંડરપાસ, ચેનપુર લેક ક્રોસિંગ,ચાંદલોડિયા લેક ક્રોસિંગ, અગિયારસ માતા મંદિર વાડજ લેવલ ક્રોસિંગ, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ક્રોસિંગ, ચામુંડા ક્રોસિંગ, મકરબા ક્રોસિંગ, ઉમા ભવાની એલસી 241, આઇઓસી રોડ, ચાંદખેડા,જીએસટી અંડરપાસ, જલારામ અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, કાળીગામ ગરનાળા, ભાડજ અંડરપાસ, વૈષ્ણોદેવી અંડરપાસ, મુમદપુરા અંડરપાસ, ત્રાગડ અંડરપાસનો સમાવેશ થાય છે. 


ચોમાસામાં અમદાવાદ શહેરમાં 178 સ્થળે ભૂવા પડવાનું નક્કી છે. AMCએ રોડ મજબૂત બનાવવાના બદલે ભયજનક રોડના બોર્ડ લગાવવાનો નિર્ણય કર્યો છે.  દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 27 સ્થળે ભૂવા પડવાની આશંકા વ્યક્ત કરાઇ છે. તો ઉત્તરમાં 24, મધ્યમાં ભૂવા પડે તેવા 16 સ્થળ આઈડેન્ટીફાય કરાયા છે. 


ચોમાસાનો હજુ તો પ્રારંભ થયો છે ત્યાં જ આચરાયેલા ભ્રષ્ટાચારની પોલ ખૂલવાનું શરૂ થયું છે. પડધરી તાલુકામાં દોઢથી બે ઈંચ જેટલો સીઝનનો પ્રથમ વરસાદ નોંધાયો હતો. ત્યાં સરપદડ ગામમાં નવા પુલનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો હતો. પુલ તૂટતા હાલ તો સલામતીના ભાગરૂપે પુલ પર વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે. આ પુલ એકસાથે આઠથી દસ ગામોને જોડે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જૂનો રાજાશાહી વખતનો પુલ હજુ પણ અડીખમ છે. જ્યારે થોડા સમય પહેલા નિર્માણ કરાયેલા નવા પુલના વચ્ચેથી બે કટકા થઈ ગયા હતા.