Ahmedabad News: અમદાવાદમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સોલાર સિસ્ટમ કનેક્ટ કરવાની કામગીરીના પગલે વિવિધ વિસ્તારોમાં ચાર દિવસ પાણી પુરવઠાને અસર થશે. મળતી જાણકારી અનુસાર, શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર જેટલા વોટર વર્કસમાંથી રોજનું 1500 MLD જેટલું શુદ્ધ પાણી નાગરિકોને પૂરું પાડવામાં આવે છે. આ વોટર વર્કસમાં સોલાર સિસ્ટમ મુકવામાં આવી છે.


આ સિસ્ટમમાં ઇન્ટર કનેક્શન કરવા માટે થઈને વિવિધ દિવસો દરમિયાન વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. જેના કારણે નાગરિકોને ઓછું પાણી મળી રહેશે. વિવિધ વિસ્તારોમાં કુલ ચાર દિવસ નાગરિકોને ઓછું પાણી મળશે.


સાત જાન્યુઆરીએ થલતેજ ગોતા, ચાંદલોડિયા, બોપલ, ઘુમા, ઘાટલોડીયા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદ નગર, વેજલપુર, મકરબા, હાઇ-વે સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો મળશે.. તો 8 જાન્યુઆરીએ સમગ્ર પૂર્વ વિસ્તારમાં અને પશ્ચિમ ઝોનમાં આવતા સાબરમતી, ચાંદખેડા, નવરંગપુરા, નારણપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં જ્યારે 9 જાન્યુઆરીએ દક્ષિણ ઝોન વિસ્તારમાં આવતા લાંભા, ઇસનપુર, મણીનગર, વટવા સહિતના વિસ્તારમાં ઓછું પાણી આવશે.


તો 13 જાન્યુઆરીએ પૂર્વ વિસ્તારમાં નરોડા, સરદારનગર, એરપોર્ટ, ઠક્કરબાપાનગર, કૃષ્ણનગર, ઓઢવ, રામોલ, વસ્ત્રાલ, વાસણા, પાલડી નવરંગપુરા નારણપુરાના વિસ્તારોમાં પાણી ઓછું આવશે. અમદાવાદના કોતરપુર, જાસપુર અને રાસ્કા વોટર વર્કસને સોલાર ઉર્જાથી સંચાલિત કરાશે. વોટર વર્કસ 5 થી 6 કલાક બંધ રખાતા પાણી પુરવઠાને અસર થશે. 7 ફેબ્રુઆરીએ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન, 8 ફેબ્રુઆરીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠાને અસર થશે.


અમદાવાદમાં ડબલ ડેકર બસની શરૂઆત


અમદાવાદમાં ડબલ ડેકર બસની શરૂઆત થઇ છે. આ સર્વિસને ત્રણ દાયકા બાદ શહેરમાં ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. આજથી હવે અમદાવાદના રસ્તાઓ પર એએમટીએસની ડબલ ડેકર એસી ઈ-બસ દોડતી દેખાશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું હતુ. લંડનથી 5 AC ડબલ ડેકર બસ અમદાવાદમાં લાવવામાં આવી હતી. આ ડબલ ડેકર એસી બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેના બાદ હવે આ બસને અમદાવાદમાં દોડાવાશે.